જૂનાગઢ,તા.૪ જૂનાગઢ જિલ્લામાં મહેસૂલ વિભાગ હેઠળ એટલે કે, કલેક્ટર કચેરી, પ્રાંત ઓફિસ અને મામલતદાર કચેરીઓ દ્વારા થતી મહેસૂલી ઉપરાંત અન્ય જનકલ્યાણની વિવિધ કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જૂનાગઢનો ડિસ્ટ્રીક્ટ સ્કોરિંગ મેટ્રીક્સ સ્કોર ૫૬.૨૫ ટકાથી વધીને ૯૨.૦૩ ટકા થયો છે. આમ, કલેક્ટર રચિત રાજના નેતૃત્વમાં પ્રજાલક્ષી કામોનુ ઉકેલ લાવવાના પ્રયાસોને વધુ એક સફળતા મળી છે.
કલેક્ટર રચિત રાજે પડતર પ્રશ્નો સહિતના તુમારના નિકાલ માટે તબક્કાવાર અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જુદા-જુદા મહેસૂલી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સતત ફોલોઅપ કરવામાં આવ્યું હતું. જેથી કલેક્ટર કચેરી અને સમગ્ર જિલ્લાની પ્રાંત ઓફિસો તથા મામલતદાર કચેરીઓ હેઠળ થતી મહેસૂલી કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ડિસ્ટ્રીક્ટ સ્કોરિંગ મેટ્રિક્સ સ્કોર iORA મારફત બિન ખેતી વિગેરે, અરજીઓનો નિકાલ ,iRCMS મારફત કેસોનું મોનીટરીંગ, ઈ-ધરા, ઈ-સેવા, જનસેવા કેન્દ્ર, સ્ટેમ્પ ડ્યુટી, પડતર કેસોનો નિકાલ, દફતર તપાસણી, જમીન સંપાદન સહિતના કામોમાં પ્રગતિના આધારે તૈયાર કરવામાં આવે છે.
ડિસ્ટ્રીક્ટ સ્કોરિંગ મેટ્રિક્સ સ્કોર જિલ્લાની મહેસૂલી કામગીરીની પ્રગતિ દર્શાવે છે. જે મહેસૂલી સહિતની જુદા-જુદી કામગીરીના માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે. જેથી સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના મહેસૂલી કામગીરીનો ચિતાર મેળવી શકાય.
