મકસુદ કારીગર,કઠલાલ
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. ભરતભાઇ જોશીના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડાની ૧૭મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. પી. કે. શર્મા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી અને વર્ષ ૨૦૨૨માં આયોજન થયેલી કેન્દ્રની ૧૬મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકની કાર્યનોંધ અને તેના અમલીકરણને રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રના દરેક વિષય નિષ્ણાંત દ્વારા પોતાનો વર્ષ ૨૦૨૨નો વાર્ષિક કામગીરીનો અહેવાલ તેમજ વર્ષ ૨૦૨૩નું પોતાની કામગીરીનું વાર્ષિક આયોજન રજૂ કર્યું હતું. આ બેઠકમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અને કુલસચિવ દ્વારા કેન્દ્ર ખાતેથી આયોજિત થતી વિવિધ તાલીમોમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરવા માટે સૂચન કર્યું હતું તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનું મોડલ ફાર્મ તૈયાર કરવા જણાવ્યું હતું. વધુમાં તેઓએ ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રાકૃતિક કૃષિનું મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે ગૂજરાત વિદ્યાપીઠ હસ્તકના ત્રણેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિની તાલીમ માટેના નોડલ કેન્દ્રો બને અને જમીન તેમજ માનવ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખેડૂતો વધુ માં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવું આહવાન કર્યું હતું. આ બેઠકમાં ખેડા જિલ્લાના ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, બાગાયત અધિકારી, ગ્રામ સેવા કેન્દ્ર દેથલી, ભલાડા અને બોચાસણના સંયોજકો અને પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો,


