પક્ષને મજબૂત બનાવવાની વાત છે બળવો કરવાની નહીં’
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા અને લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કોંગ્રેસનો કકડાટ દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પૂર્વ ધારાસભ્ય નારાજ હોવાની વાત સામે આવી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ સહિતના નેતાઓ કોંગ્રેસના સંગઠનથી નારાજ હોવાનું સામે આવ્યું છે અને ટૂંક સમયમાં જ નારાજ નેતાઓની એક બેઠક પણ બોલાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આજે ખોડલધામ ખાતે ખોડલધામ ખાતે વડીલ વદનાં કાર્યક્રમમાં પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા,લલિત વસોયા ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં કિરિટ પટેલ અને લલિત વસોયાએ જણાવ્યું હતું કે પાર્ટીથી કોઇ નારાજ નથી. પાર્ટીને મજબૂત બનાવવા માટેની વાત છે અને આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ સાથે આ સંદર્ભે બેઠક કરવામાં આવશે.
કિરિટ પટેલે જણાવ્યું છેકે, કોંગ્રેસના કોઇ પૂર્વ ધારાસભ્યની નારાજગી નથી.આ ઇશ્યૂ ત્યાંથી ઉભો થયો. ગઇકાલે બે દિવસ પહેલા જ્યારે વિધાનસભાની અંદર ચર્ચા હતી અને ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસની અંદર બે ભાગ પડ્યા છે. કેટલાક ધારાસભ્યો નારાજ છે. એ બાબતથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. મે કહેલું કે કોંગ્રેસના હાલાના જે ધારસભ્યો છે એ પણ નારાજ છે કારણ કે પાર્ટી કોઇ નિર્ણય ઝડપથી લેતી નથી. મે મારું પણ ઉદાહરણ આપ્યું હતું કે, અમે ત્રણ ધારાસભ્યોએ જેમની વિરુદ્ધ લખીને આપ્યું હતું તેમની વિરુદ્ધ કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટી વિરોધી કામ કરનારા સામે ઝડપી પગલા ભરીને પાર્ટીને મજબૂત બનાવવામાં આવે તેવી અમારી ચિંતા હતી. પાર્ટી વિરોધી કામ કરનારાઓને પાર્ટીમાંથી ઝડપથી દૂર કરવા જોઇએ અને આગામી લોકસભાની ચૂંટણી આવે છે એ માટે પાર્ટીના સંગઠનને કેવી રીતે મજબૂત બનાવી શકાય તેની વાત હતી. અમારી ચિંતા માત્ર કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાની અને પાર્ટીમાં શિસ્ત અને ડિસિપ્લિન આવે તેની છે.
લલિત વસોયાએ જણાવ્યું હતું કે, પાર્ટીના કોઇ પૂર્વ કે ચાલુ ધારાસભ્ય પાર્ટીથી નારાજ નથી. અમારી જે કંઇ વાત છે તે પાર્ટીના નાના કાર્યકર્તા, સનિષ્ઠ અને વફાદાર કોંગ્રેસના કાર્યકર્તાનો અવાજ પાર્ટીના હાઈકમાન્ડ સુધી પહોંચાડવા માટેના પ્રયત્નના ભાગરૂપે છે. પાર્ટીમાં શિસ્ત રહે, તાત્કાલિક નિર્ણયો થાય અને આવનારા દિવસોમાં પાર્ટીનું સંગઠન મજબૂત બને એના પ્રયત્નના ભાગરૂપે અમારો આ પ્રયાસ છે. આવનારા દિવસોમાં પાર્ટી હાઈકમાન્ડને પણ મળવાના છીએ.
વસોયાએ વધુમાં જણાવ્યું કે, પાર્ટીને કઇ રીતે મજબૂત કરી શકાય તે અંગે ચર્ચા કરવાના છીએ. એક-બે દિવસની અંદર સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય, હાલના ધારાસભ્યો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ટાઇમ નક્કી થશે એટલે જણાવવામાં આવશે. જે કંઇ અમારી વાત પાર્ટીના હિતમાં છે. અમે જે કંઇ કહીશુ તે ડંકાની ચોટ પર કહીંશું. પાર્ટીને મજબૂત કરવા માટે નીકળ્યા છીએ. પાર્ટીમાં બળવો કરવાની કોઇ વાત નથી. આજે પણ નથી અને આવનારા દિવસમાં પણ નથી. જે લોકો પાર્ટીને મજબૂત કરવા નીકળ્યા છીએ. કોઇ પાર્ટી સાથે બળવો કરીને ભાજપ સાથે જોડાવાના નથી.


