Gujarat

ગર્ભવાસ એ જ નરકવાસ છે.

પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગવી તેનું પાપ અને પુણ્ય જો સરખું થાય તો તે ચન્દ્રલોકમાં જાય છે.ત્યાંથી સૂક્ષ્મ જીવ વાદળમાં વર્ષા-રૂપે આવે છે.વરસાદ પૃથ્વી પર પડે છે અને તે અન્નમાં દાખલ થાય છે.અન્નમાંથી વીર્ય બને છે અને જીવ મનુષ્ય યોનિમાં આવે છે.આ બિલકુલ સીધીસાદી ભાષામાં વર્ણન છે જેના પર વિચાર કરવામાં આવે તો ઘણું બધું સમજવામાં આવી શકે.ભાગવતમાં ગર્ભ-અવસ્થાનું લંબાણથી વર્ણન અદભૂત છે.જે દિવસે ગર્ભ રહે છે તે દિવસે પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે.દસ દિવસમાં તે ફળ જેવડો મોટો થાય છે.માના શરીરની જે નાડીમાંથી અન્નરસ વહેતો હોય તે નાડી સાથે ગર્ભની નાડી જોડવામાં આવે છે.એક મહિનામાં સાત ધાતુ મળે છે અને પાંચ મહિનામાં ભુખ તરસનું જ્ઞાન થાય છે.છ મહિનાનો ગર્ભ થાય એટલે માતાના પેટમાં ભ્રમણ કરે છે.જ્યાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે તે માતાના મૂત્ર અને વિષ્ટામાં તે આળોટે છે.નાનકડી જગ્યામાં તેને બહુ દુઃખ સહન કરવું પડે છે.તેને અનેક જંતુઓ કરડે છે ત્યારે કેટલીક વાર તે મૂર્છા પામે છે વળી માતાએ ખાધેલા તીખા ગરમ ખારા ખાટા ખોરાક વડે તેના અંગમાં વેદના થાય છે.

આ પ્રમાણે તે ગર્ભમાં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે.પાંજરામાં પંખી પુરાયું હોય તેમ તે રહે છે. કંઈ પણ કરવાને માટે તે અસમર્થ હોય છે માટે ગર્ભવાસ અને નરકવાસ સરખો છે.સાતમે મહિને માથું નીચે અને પગ ઉંચે થાય છે.આઠ માસના જીવાત્માને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે.તે ગર્ભમાં પ્રભુને સ્તુતિ કરે છે કે હે નાથ..મને જલ્દી બહાર કાઢો.હવે હું બિલકુલ પાપ નહિ કરૂં.મને બહાર કાઢશો તો હું તમારી ખુબ સેવા ભક્તિ કરીશ.ગર્ભમાં જીવ જ્ઞાની થાય છે.ભગવાન આગળ તે અનેક પ્રતિજ્ઞાઓ કરે છે.પરમાત્મા કહે છે આજ સુધી તેં મને અનેક વાર છેતર્યો છે.જીવ કહે છે કે ના..ના.. હવે હું નહિ છેતરૂં.મને બહાર કાઢો.

પ્રસવપીડા વખતે અતિશય વેદનામાં તે પૂર્વજન્મનું જ્ઞાન ભૂલી જાય છે.ગર્ભનું જ્ઞાન પણ ભૂલી જાય છે.માતાને જે વેદના થાય છે તેના કરતાં હજાર ગણી વેદના જીવાત્માને થાય છે.રાજાને ઘેર જન્મ થાય કે રંકના ઘેર જન્મ થાય જન્મ એ જ મહાન દુઃખ છે.જન્મ એનો સફળ છે કે જેણે ફરીથી કોઈ માતાના પેટમાં જવાનો પ્રસંગ ના આવે.કોઈના પેટમાં જાય તેની દુર્દશા થાય છે.જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે. આ બંને દુઃખ સરખાં છે.આ દુઃખોનો અંત આવતો નથી. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ આ દુઃખનો અંત આવે છે.

જીવનો જેવો જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે.સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો માયા છૂટે અને સુખી થાય પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.જીવ બાલ્યાવસ્થામાં માતા સાથે પ્રેમ કરે છે.જરા મોટો થાય એટલે રમકડાં સાથે પ્રેમ કરે છે તે પછી મોટો થાય એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે પુસ્તકોનો મોહ ઉડી જાય છે પછી પૈસા જોડે પ્રેમ કરતો થઈ જાય છે.થોડા વધુ પૈસા આવે એટલે બેંક બેલેન્સ જોડે મોહ થઇ જાય છે અને લગન કરે એટલે પત્ની જોડે પ્રેમ કરતો થઇ જાય છે.પત્નીને કહે છે કે તારા માટે લાખો ખર્ચવા તૈયાર છું.પેલી નચાવે તેમ નાચે છે.તે માને છે કે તે સ્વર્ગનું સુખ ભોગવે છે પણ આ મોહ પણ ટકતો નથી.બેચાર છોકરાં થાય એટલે કંટાળે છે.કોઈ પરણેલાને પૂછશે કે તમે સુખી છો? તો ફટ દઈને જવાબ આપશે કે હું સુખી શાનો? આ પલટણ ઉભી થઇ છે, મોંઘવારી વધી ગઈ છે, દરેકની ચિંતા છે, રાતદિવસ વૈતરૂં કરૂં છું પણ કોઈને મારી દયા આવતી નથી, જેમતેમ જીવન પૂરું કરૂં છું.એકલો હતો ત્યારે સુખી હતો.

ચામડીનું સુખ ભોગવ્યા પછી વૃદ્ધાવસ્થામાં ડહાપણ આવે છે.ત્યાં સુધીમાં તો માયાથી ઘેરાઈ ગયો હોય છે.છોકરાઓના ઘેર છોકરાં આવ્યાં અને કહેશે કે આ નાનો કનૈયો બહુ વહાલો લાગે છે એમ કહી ત્યાં માયા લગાડે છે.આ માયા જીવને બે રીતે મારે છે,બાંધે છે.માયાના બંધનના દોરડામાંથી છટકીને તે જ દોરડાથી પ્રભુને બાંધવાના છે.તુલસીદાસજીએ કહ્યું છે માતા-પિતા, ભાઈપુત્ર પત્ની શરીર ધન ઘર મિત્ર સગાં-સ્નેહીઓ એ બધામાંથી જે મમતા છે તે ત્યાગી તે બધામાં જે પ્રેમ વિખરાયેલો છે તે બધો પ્રેમ ભેગો કરી એક જ પ્રેમનું દોરડું બનાવી પ્રભુના ચરણને મનથી બાંધી દો તો પ્રભુ બંધાય.

હે જીવ અનેક જન્મોથી તૂં આ પ્રમાણે ભટકતો આવ્યો છે છતાં હજુ તને સંસારના વિષયોમાં ધૃણા આવતી નથી? ક્યાં સુધી તારે ભટકવું છે? તારા મનને સંસારના વિષયોમાંથી હટાવીને મનને પ્રભુમાં જોડી દે.પરમાત્માના ચરણનો આશ્રય કરી જન્મ-મરણના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી મુક્ત થા તો જીવન સફળ થશે.સાવધાન થઇને આપણે ધ્યાન કરવાનું છે. સાવધાન રહેજો મન છેતરે છે, મન ભયંકર છે.સેવા સુમિરણ સત્સંગ કરતાં કરતાં સાવધાન રહેવાનું છે.અભિમાન ના વધે તેની કાળજી રાખવાની છે.આ જીવ જ્યારે સદગુરૂ કૃપાથી પ્રભુ પરમાત્માને જાણીને તેમને શરણે જાય ત્યારે ભગવાન અવશ્ય કૃપા કરે છે.

આપણા મનને આપણે જ બોધ આપવો પડશે.આ માર્ગ એકલાનો છે.સાવધાન રહેજો.સંસારનો સંયોગ એ વિયોગ માટે જ હોય છે માટે આપણે સતત ભક્તિ કરીશું તો પરમાત્માનો આધાર મળશે.જુદા જુદા અનેક માર્ગોથી  પામવાનું તત્વ એક જ છે પરમાત્મા.જુદા જુદા પ્રકારના કર્મો યજ્ઞ દાન તપ વેદાધ્યયન મન અને ઇન્દ્રિયોનો સંયમ,કર્મનો ત્યાગ,અનેક પ્રકારનો યોગાભ્યાસ, ભક્તિયોગ,પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ માર્ગ, સકામ અને નિષ્કામ ધર્મો, આત્મ-પરમાત્મા તત્વનું જ્ઞાન, દ્રઢ વૈરાગ્ય આ બધા જ જુદા જુદા સાધનોથી સગુણ અથવા નિર્ગુણ પરમાત્માની પ્રાપ્તિ જ થાય છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)

Svn.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *