રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ માળીયાહાટીના તાલુકાના ૩૫,૧૭૫ જેટલા બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન બે વખત શાળા, આંગણવાડી ખાતે જઈ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં બાળકોને જન્મજાત ખામીઓ જેવી કે ફાટેલા હોઠ, ફાટેલ તાળવું, ક્લબ ફુટ, હૃદયની બીમારી જેવી ગંભીર બીમારીઓનું શાળા, આંગણવાડી, ઘરે મુલાકાત દરમિયાન સ્ક્રિનિંગ કરી હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૨ માં માળીયાહાટીના તાલુકામાં કાર્યક્રમ હેઠળ ૩૫,૧૭૫ બાળકોની ત્રણ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. આ અંગે માળિયા તાલુકાના હેલ્થ ઓફિસર શ્રી આભા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ફાટેલા હોઠ, ફાટેલ તાળવું, નાં ૩ બાળકો, ક્લબ ફુટ – ૩ બાળકો, જન્મજાત બધિરતા વાળા ૨ બાળકો,જન્મ જાત હૃદય ની બીમારીવાળા ૧૨ બાળકો,જન્મ સમયે મોતિયા – ૧ બાળક, ડી.ડી.એચ વાળા ૨ બાળકો ને શોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાળકોને ઓપરેશનની જરૂર હતી તે તમામને નિઃશુલ્ક ઓપરેશન થઈ ગયેલ છે. તેમજ કુપોષિત બાળકોને ચોરવાડ ખાતે કાર્યરત સી.એમ.ટી.સી. ખાતે મોકલી જરૂરી સારવાર, ખોરાક, સલાહ આપવામાં આવેલ છે.
વધુમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમો દ્વારા બાળકોના પોષણ સબંધી તથા રસીકરણ સબંધી પ્રવૃત્તિઓ પણ યોજવા માં આવે છે.
