જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.૭મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ-૭૪ પરીક્ષા કેન્દ્રો પર ૨૧૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આગામી તા.૭ના રોજ બપોરના ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમિયાન તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ-૭૪ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૦૦ બ્લોકમાં કુલ-૨૧૦૦૦ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગોના અંદાજિત ૧૨૦ અધિકારી-કર્મચારીઓ અને પરીક્ષા કેન્દ્રો પર અંદાજિત ૧૨૨૫ કર્મચારીઓને પરીક્ષાલક્ષી વિવિધ ફરજો સોંપવામાં આવેલ છે.
આ પરીક્ષામાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગના અંદાજિત ૪૩૦ પોલીસ સ્ટાફને પરીક્ષાલક્ષી બંદોબસ્તની ફરજો સોંપવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ જિલ્લાના કેન્દ્ર ખાતે કોઈ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પંચાયત કચેરી, જૂનાગઢ ખાતે હેલ્પલાઇન નંબર ૦૨૮૫ -૨૩૩૬૦૩૨ પર તા.૭ મે સુધી કચેરીના કામકાજના કલાકો દરમિયાન સંપર્ક કરવાનો રહેશે.
