જન્મ અને મૃત્યુની વચ્ચે અને પછી મૃત્યુથી જન્મની વચ્ચે ત્રણ અવસ્થાઓ એવી છે જે અનવરત અને નિરંતર ચાલી આવે છે.આ ત્રણ અવસ્થાઓ છેઃજાગૃત-સ્વપ્ન અને સુષુપ્તિ.પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો વગેરેની સહાયતાથી પોતપોતાના વિષયોનું જે જ્ઞાન થાય છે તે જાગૃત અવસ્થા,જાગૃત અવસ્થામાં જીવ(મન)નું સ્થાન આંખોમાં હોય છે.જ્યારે તમામ ઇન્દ્રિયોનો ઉપસંહાર થાય છે ત્યારે જાગૃતપણાના સંસ્કારને લઇ જે પ્રતિતિ થાય છે તેને સ્વપ્ન કહે છે,સ્વપ્ન અવસ્થામાં જીવ(મન)નું સ્થાન ગળામાં આવેલી હિતા નામની નાડીમાં હોય છે.સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રાની અવસ્થા.સુષુપ્તિમાં જીવ (મન)નું સ્થાન હ્રદયમાં હોય છે.
જે આ ત્રણ અવસ્થાઓથી બહાર નીકળીને પોતાના અસ્તિત્વને કાયમ કરી લે છે તે મોક્ષ અને ઇશ્વરના સાચા માર્ગ ઉપર છે તેમ કહેવાય અને તેના માટે નિરંતર ધ્યાન કરતા રહીને સાક્ષીભાવમાં રહેવું પડે છે ત્યારે જ તેને તુરીયાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે.
અત્યારે તમે આ લેખ જાગૃત અવસ્થામાં વાંચી રહ્યા છો.ઘણા લોકો જાગતા હોવા છતાં કલ્પના અને વિચારોમાં ખોવાયેલા રહે છે તે સ્વપ્ન અવસ્થા છે.અમે જ્યારે ભવિષ્યની કોઇ યોજનાઓ બનાવીએ છીએ ત્યારે વર્તમાનમાં રહેવા છતાં કલ્પના લોકમાં ચાલ્યા જઇએ છીએ,તે એક પ્રકારનો સ્વપ્નલોક જ હોય છે.જ્યારે અમે કોઇ ભૂતકાળની કોઇ યાદોમાં ખોવાઇ જઇએ છીએ તો અમે સ્મૃતિલોકમાં ચાલ્યા જઇએ છીએ,આ પણ એક પ્રકારનો સ્વપ્નલોક જ છે.મોટાભાગના લોકો સ્વપ્નલોકમાં જીવતા હોય છે અને મરી જાય છે,તે વર્તમાનમાં ફક્ત દશ ટકા જ જીવે છે.
જાગૃતિ અને નિદ્રા વચ્ચેની અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહે છે.નિંદ્રામાં ડૂબી જવું,ગાઢ નિદ્રા તેને જ સુષુપ્તિ અવસ્થા કહેવાય છે.સ્વપ્ન અવસ્થામાં વ્યક્તિ થોડોક સમય જાગે છે તો થોડો સમય સૂતેલો રહે છે તેમાં અસ્પષ્ટ અનુભવો અને ભાવો રહેતા હોય છે એટલે વ્યક્તિ ક્યારે સ્વપ્ન જુવે તેનો કોઇ ભરોસો નથી હોતો.અમે દિવસ દરમ્યાન જેવું જીવન જીવીએ,જેવા વિચારો કરીએ અને જે સુખ દુઃખની અનુભૂતિ કરીએ છીએ મન તેવા સ્વપ્ન બતાવતું હોય છે.
ગાઢ નિદ્રાને સુષુપ્તિ અવસ્થા કહે છે.આ અવસ્થામાં પાંચ જ્ઞાનેન્દ્રિયો(આંખ કાન નાક જીભ અને ત્વચા) અને પાંચ કર્મેન્દ્રિયો (હાથ પગ વાણી ગુદા અને ઉપસ્થ) સહિત ચેતના(અમે પોતે) વિશ્રામ કરે છે. સુષુપ્તિ અવસ્થા ચેતનાની નિષ્ક્રિય અવસ્થા છે.આ અવસ સુખ-દુઃખના અનુભવોથી મુક્ત હોય છે.આ અવસ્થામાં કોઇપણ પ્રકારના કષ્ટ કે કોઇપણ પ્રકારની પીડાનો અનુભવ થતો નથી.આ અવસ્થામાં કોઇ ક્રિયા થતી નથી.મૃત્યુના સમયે મોટા ભાગના લોકો આનાથી ઉંડી અવસ્થામાં ચાલ્યા જતા હોય છે.
ચેતના(મન)ની ચોથી અવસ્થાને તુરીયા અવસ્થા કહે છે.આ અવસ્થા વ્યક્તિના પ્રયાસોથી પ્રાપ્ત થાય છે.આ અવસ્થામાં ના કોઇ ગુણ હોય છે કે ના કોઇ રૂપ હોય છે.તે નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્મામાં ઓતપ્રોત અવસ્થા છે તે સમયે શરીરનું કે અન્ય કોઇ અવસ્થાનું ભાન રહેતું નથી પરંતુ પોતાના સ્વરૂપનું સંપૂર્ણ ભાન રહે છે.આ અવસ્થાથી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે અને તેનાથી પાર મોક્ષનો આનંદ મળતો હોય છે જેને સહજ સમાધિ અવસ્થા કહે છે.
ભગવત ચેતના..તુરીયાતીત અવસ્થામાં રહેતાં રહેતાં ભગવત ચેતનાની અવસ્થા કોઇપણ પ્રકારની સાધના કર્યા વિના જ પ્રાપ્ત થાય છે.આ અવસ્થામાં વ્યક્તિ સમગ્ર જગતને ભગવાનની સત્તા માનવા લાગે છે,આ એક મહાન સિદ્ધ યોગીની અવસ્થા છે.
બ્રાહ્મી ચેતના..ભગવત ચેતના પછી વ્યક્તિમાં બ્રાહ્મી ચેતનાનો ઉદય થાય છે.આ અવસ્થામાં ભક્ત અને ભગવાનનો ભેદ દૂર થાય છે.આ અહમ્ બ્રહ્માસ્મિ અને તત્વમસિની અવસ્થા છે જેમાં સાધકને તમામ જગતમાં બ્રહ્મ જ નજર આવે છે.આ અવસ્થાને જ યોગમાં સમાધિની અવસ્થા કહે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


