જૂનાગઢ જિલ્લામાં બાગાયત વિભાગની ઘર આંગણે ખેતી કિચન ગાર્ડનની શાકભાજી બિયારણ યોજના નો લાભ લેવા જણાવવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના કેનિંગ અને કિચન ગાર્ડનની વિભાગ દ્વારા ઘરની આજુબાજુની ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર કરવા માટે રૂપિયા પાંચના ટોકન ભાવે વિવિધ શાકભાજીના બિયારણોના પેકેટ તથા ખાતરના પેકેટનું વિતરણ કરવામાં આવે છે.
વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરિરક્ષિત કરવાની મહિલા વૃતિકા યોજના અંતર્ગત તાલીમ પણ આપવામાં આવે છે. જે માટે મહિલાઓ ૨૦ થી ૨૫ નું ગ્રુપ બનાવી તાલીમ લઈ શકશે. જેમાં અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૩૧/૫/૨૦૨૩ સુધી ખુલ્લું રહેશે.
આજના યુગમાં ગ્રામ્ય તેમજ શહેરીજનોના કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્ય અને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી કિચન ગાર્ડનનું આયોજન કરી શકાય છે. આ કચેરી દ્વારા ઘર આંગણે ઉગાડી શકાતા શાકભાજી અંગે માર્ગદર્શન તેમજ સાહિત્ય પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નવી મામલતદાર ઓફિસની બાજુમાં જૂનાગઢ ફોન નં – ૦૨૮૫ ૨૬૩૫૦૧૯નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
