2 મહિનામાં જ જિંદગીનો અંત આણી દેતા મૃતકના વાલીઓનો આક્ષેપ : અમારી દીકરીને મરવા મજબૂર કરાઇ છે : મૃતકના પતિ સામે ગુનો નોંધતી પોલીસ:
જેતપુરના થાણાગાલોળ ગામે સાસરીએ રહેતી અને 2 મહિના પૂર્વે જ પ્રભુતામાં પગલાં પાડનાર નવોઢાએ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યાની ઘટનાથી જાણકારોમાં અરેરાટી વ્યાપી છે. મૃતક રાધિકાબેનને એવું તે શું દુઃખ-ત્રાસ અપાયો કે તેણીને આવું આત્મઘાતી પગલું ભરવું પડ્યું ? તે તપાસનો વિષય છે. બીજીબાજુ રાધિકાબેનના પિતા સહિતના વાલીઓએ પોતાની દીકરીને મરવા મજબૂર કરી હોવાના આક્ષેપો કરીને જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે મૃતકની પીએમ વિધિ હાથ ધરાવી છે. કહેવાય છે કે, હોસ્પિટલે સાસરિયાં અને પિયરીયા સાથે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસ હાજર હોવાથી મામલો થાળે પડી ગયો છે. લાલપુર સ્થિત પિયરીયા બે દિવસ પહેલા જ રાધિકાબેનને થાણાગાલોળ મૂકી ગયા હતા. બાદમાં તેણીનો મોબાઈલ કોલ પણ રિસીવ થતો ન હતો. આજે વહેલી સવારે રાધિકાના પતિ વિજય ધામેચાએ સસરા રમેશ ચાવડાએ કોલ કરીને બનાવથી વાકેફ કરતાં પિતા રમેશભાઈ અવાચક બની ગયા છે. ગામમાં બનાવથી અરેરાટી સાથે લત્તામાં શોક વ્યાપ્યો છે.
મોડેથી મળતા અહેવાલ મુજબ મૃતક રાધિકાબેનના પિતા રમેશભાઈ પ્રેમજીભાઈ ચવડાની જેતપુર તાલુકા પોલીસ ફરિયાદ નોંધીને મૃતકના પતિ વિજય મહેશ ધામેચા(થાણાગાલોળ) સામે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.

