જેતપુર સેશન્સ કોર્ટ ખાતે દલીલો થઈ પૂર્ણ.આગામી 13 તારીખે કોર્ટ સંભળાવશે ચુકાદો
આ કેસના સ્પેશિયલ પીપીએ આ કેસને નિર્ભયાના કેસ સાથે સરખાવીને આરોપીને ફાંસીની સજા આપવા સુધીના આકરી સજા કરવાની કોર્ટ સમક્ષ માગ કરી છે.
જેતલસરના ચકચારી સગીરાની હત્યા કેસમાં જેતપૂર કોર્ટ આરોપી જયેશ સરવૈયાન 13 માર્ચે સોમવારના રોજ અંતિમ ચુકાદો સંભળાવશે. જેતપૂર કોર્ટે આજે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી. આ કેસના સ્પેશિયલ પીપીએ આ કેસને નિર્ભયાના કેસ સાથે સરખાવીને આરોપીને ફાંસીની સજા આપવા સુધીના આકરી સજા કરવાની કોર્ટ સમક્ષ માગ કરી છે. બીજી તરફ બચાવ પક્ષના વકીલે આ કેસમાં આરોપીની ઉંમર નાની હોવાથી તેને ઓછી સજા સંભળાવવામાં આવે તેવી માગ કરી છે. જો કે કોર્ટ 13 માર્ચે પોતાનો આખરી ચુકાદો સંભળાવશે.
સમગ્ર મામલે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શરૂઆતથી જનકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે જનકભાઈ પટેલે જણાવ્યું છે કે, મારી નજરે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ નિર્ભયા કેસ કરતા પણ ખૂબ જ ગંભીર અને દર્દનાક છે. આરોપીએ પૂર્વ આયોજિક કાવતરું રચીને હત્યા કરી છે. આરોપીએ પહેલા ચોટીલાથી છરીની ખરીદી કરી હતી અને બાદમાં જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી 34 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા.કોર્ટમાં અમે તબીબ પાસે પુરવાર કરાવ્યું છે કે, સૃષ્ટિ રૈયાણીને મારવામાં આવેલ એક-એક ઘા કોઈપણ વ્યક્તિનું મૃત્યુ નીપજાવવા માટે સક્ષમ હતા. આમ, જયેશ ગિરધર સરવૈયા દ્વારા ન માત્ર એક જ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે પરંતુ 34 જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે. આ કેસના ટ્રાયલ દરમિયાન 51 સાહેદોની જુબાની લેવામાં આવી છે. પરંતુ એકપણ સાહેદ હોસ્ટાઇલ થયેલા નથી. જે તે સમયે પોલીસ દ્વારા કોર્ટમાં 200થી 216 પાનાની ચાર્જસીટ પણ દાખલ કરવામાં આવી હતી. જયેશ ગિરધર સરવૈયા દ્વારા જ્યારે ગુનાહિત કૃત્યને અંજામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે લોહીવાળી છરી અને કપડાં સાથે ભરબજારે નીકળ્યો હતો. એક પણ વ્યક્તિએ તેને પકડવાનો પ્રયાસ પણ નહોતો કર્યો.આરોપીએ ક્રુરતાથી સગીરાની હત્યા કરી દીધી હતી અને તેના ભાઇને પણ મારવાની કોશિશ કરી હતી, ત્યારે આ આરોપીને ફાંસી સુધીની ગંભીર સજા સંભળાવવામાં આવે તેવી માગ કરી છે.
આ અંગે આરોપી જયેશ ગિરધર સરવૈયાના બચાવ પક્ષના વકીલ નિલેશ પંડ્યાએ કહ્યું હતું કે, આરોપીએ જે કૃત્ય કર્યુ ત્યારબાદ તેના પરિવારને હિજરત કરવી પડી છે. તેના માતા પિતા ભિક્ષાવૃતિ કરવા માટે મજબૂર બન્યા છે. આરોપીની ઉંમર હાલ નાની છે. તેથી સજાના મામલામાં તેના પર રહેમ રાખવામાં આવે અને ઓછામાં ઓછી સજા કરવામાં આવે તેવી માગ કરી છે.
મારી દિકરીના હત્યારાને ફાંસીની સજા થવી જોઇએ-સગીરાના માતા
આજે કોર્ટની તારીખ હતી ત્યારે સગીરાના પરિવારજનો પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સગીરાના માતાએ અશ્રુભીની આંખ સાથે કહ્યું હતું કે જે રીતે મારી દિકરીની હત્યા કરી તે જ રીતે આ નરાધમને પણ ફાંસીની સજા થવી જોઇએ.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસના અંતે 200 પેજની આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી અને બે વર્ષ ચાલેલા આ કેસમાં 51 સાક્ષીઓને તપસ્યા બાદ આજે સેશન્સ કોર્ટના જજ આર.આર.ચૌધરીએ આરોપીને તમામ કલમ હેઠળ દોષિત જાહેર કર્યો અને તેને સજા 13 માર્ચે સંભળાવશે
