રાજય સરકાર દ્વારા ઓનલાઇન સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ઉજવવામાં આવી રહેલા સ્વાગત સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજયના લાખો નાગરિકોની જેમ છોટાઉદેપુરના દેવલીબેન ધાણકાને પણ તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન તેમની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાની અરજીને મંજૂરી મળતા તેમને હવે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મળવાનો શરૂ થશે.
રાજયમાં વર્ષ-૨૦૦૩થી શરૂ કરવામાં આવેલ ઓનલાઇન સ્વાગત કાર્યક્રમે લોકફરિયાદોના નિકાલમાં એક સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગતમાં અરજદાર અને સંબંધિત વિભાગના અધિકારીઓ આમને સામને બેસી અરજદારના પ્રશ્નોનું વિચાર વિમર્શ કરી નિકાલ કરવાના આ કાર્યક્રમનો સમગ્ર દેશમાં જોટો જડે તેમ નથી. સ્વાગત કાર્યક્રમ દ્વારા છેવાડાના માનવીને લગતી બાબતોનું પણ યોગ્ય નિરાકરણ આવતા લોકોની મુશ્કેલીઓ હળવી થઇ છે.
રાજય સરકારના સ્વાગત સપ્તાહની ઉજવણી કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર ખાતેની મામલતદાર કચેરીમાં એક સામાન્ય ગામડાની મહિલા તેમની અરજ લઇને આવી હતી કે, તેમને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મળે. સંવેદનશીલ સરકારના સંવેદનશીલ વહીવટીતંત્ર દ્વારા તેમની અરજીને તત્કાળ મંજૂરી આપી તેમને ગંગાસ્વરૂપા આર્થિક યોજનાના લાભાર્થી તરીકે લાભો મળી રહે એ અંગેની સરાહનીય કામગીરી બજાવી હતી.
આ અંગે દેવલીબેન ધાણકા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બે મહિના પહેલા મારા પતિનું અવસાન થયું હતું. હું કડિયાકામવાળા સાથે મજૂરી કરીને જીવન ગુજરાન ચલાઉં છું. મને ગંગાસ્વારૂપા આર્થિક સહાય યોજના અંગે જાણકારી મળતા મેં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી.
મારી અરજીને તત્કાળ મંજૂરી આપવામાં આવી હતી. મારે કયાંય કોઇ ધકકા ખાવાનો વારો આવ્યો નથી. મારી અરજી મંજૂર થતાં હવે મને ગંગાસ્વરૂપા આર્થિક સહાય પેઠે રૂા. ૧૨૫૦ની માસિક સહાય મળશે એમ કહી તેમણે આ સહાય મને ઘરખર્ચમાં મદદરૂપ થશે એમ કહી તેમણે રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ ઓનલાઇન સ્વાગત કાર્યક્રમ દેવલીબેન જેવા અનેક વ્યક્તિઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયો છે એમ કહીએ તો ખોટું તો નથી જ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
