પુરુષ ગધેડાં પર બેસી ‘રા’ બને છે.
વંથલીના ધંધુસર ગામે સંતાન પ્રાપ્તિની માનતા પૂરી થયા બાદ હોળીના બીજા દિવસે માનતા માનેલું વ્યક્તિ ગધેડા પર બેસી કરે છે ગામની પ્રદક્ષિણા અને તેમની સાથે હોય છે તેમની ટોળકી જેને કહેવામાં આવે છે ગેર. ધંધુસર ગામમાં વર્ષો જૂની રાહ ટોળકીની આ પરંપરા ચાલી આવે છે. જે પરિવારમાં સંતાન ન થતા હોય તેના પુરુષો સંતાન પ્રાપ્તિ માટે માનતા માને છે.
પરંતુ માત્ર પરિવારના જ સભ્યો નહીં જે ઘરે સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને તેમના મિત્ર કે કુટુંબીજનો તેમના સગા વાલા કે મિત્રને ત્યાં પારણું બંધાય તે માટે હોળીના બીજે દિવસે ‘રા’ બનવાની માનતા માને છે.
આ ‘રા’ નામનું ભજવાતું પાત્ર હોળીના બીજા દિવસે ગધેડા પર બેસે છે પોતે અલગ દેખાય તેવી રીતના તેને શણગારવામાં આવે છે. અને ગામની શેરી ,ગલીઓ અને ઘરે ઘરે જઈ આ ‘રા’ ની ટોળકી એટલે કે ગેર (સભ્યો) ફંડ ફાળો ઉઘરાવે છે. ‘રા’ ગધેડા પર બેસી ગામના એવા પરિવારને ત્યાં ફાળો લેવા માટે જાય છે જેના તાજેતરમાં જ લગ્ન થયા હોય અને જે પરિવારમાં સંતાનનો જન્મ થયો હોય. તો બીજી તરફ આ ‘રા’ની ટોળકી માટે ગામમાં બપોરના સમયે ભોજન પણ રાખવામાં આવે છે.
હોળીના કલર અને અલગ દેખાતા ગધેડા પર બેસી આ રાહ જ્યારે નીકળે છે ત્યારે ખાસ કરી બાળકોને આ ગધેડા પર બેસેલા ‘રા’ ને બતાવવામાં આવે છે.જેથી કરી બાળક કોઈ પણ એવા બિહામણા પાત્રથી ના ડરી જાય તે માટે ‘રા’ ને બતાવવામાં આવે છે. તો આ ‘રા’ ની ગધેડા પર ની સવારીને મહિલાઓ દ્વારા પોતાના આંગણે આવતા તિલક કરી આવકારવામાં આવે છે…
આ પરંપરા વિશે ધંધુસર ગામના જ માલદે ભાઇ થાપલિયા એ જણાવ્યું હતું કે ” ‘રા’ પરંપરા છે તે વર્ષો જૂની છે અને તે માટે વડવાઓનું કહેવાનું છે કે ‘ રા ‘ બનવાથી જેના કષ્ટ હોય તે દૂર થાય છે. કોઈ ને સંતાન ન હોય તે માનતા કરે કે છે મારે ઘેર સંતાન ની પ્રાપ્તિ થશે તો હું ‘રા’ બનીશ એટલા માટે થઈ અને ‘રા’ બને અને જે ‘રા ‘ ને ગધેડા ઉપર બેસાડીને સરઘસ કાઢવામાં આવે છે.ત્યારે એમ કહેવાનું થાય છે કે જે લોકો એને ટીકા ટિપ્પણ કરે ત્યારે એના કષ્ટ દૂર થાય છે અને ગામ આખાની અંદર ‘રા’ ફરે છે અને જે ફંડ ફાળો થાય એ ગામના વિકાસમાં વાપરવામાં આવે જેથી કરી ગામની એકતા જળવાઈ રહે માટે ધંધુસર ગામ આ પરંપરા નિભાવી રહ્યું છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી