મકસુદ કારીગર,કઠલાલ
ખેતીમાં નવતર અભિગમ બદલ સરકાર દ્વારા ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ બોરસદ ખાતે સરદાર પટેલ કૃષિ સંશોધનનો એવોર્ડ મળ્યો
**
બટાકાની સુકી વેફર બનાવી ગ્રાહકોને ડિજિટલ માર્કેટિંગના આધારે સીધુ જ ઓનલાઈન વેચાણ કરે છે
**
“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ” ઝવેરચંદ મેઘાણીની આ પ્રખ્યાત પંક્તિને જીવન ચરીતાર્થ કરતા બોરીયાવી ગામના ૪૦ વર્ષીય દેવેશભાઈ રમેશભાઈ પટેલે ખેતીમાં અનેકવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરી ચરોતરના ખેડુતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ વર્ષે ખેતીમાં કુલ ૩ વીઘામાં દેવેશભાઈએ નક્ષત્ર આધારિત ખેતી કરી ૫૨ વીઘા ૧૯૩ બેગ એટલે ૯૬૫૦ કિલો એમ કુલ ૨૮,૯૫૦ કિલો (૨૮૯.૫ ક્વિન્ટલ) બટાકાનું બમ્પર ઉત્પાદન કર્યું છે. આ બટાકાને તેઓ પોતાના કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખે છે.
વર્ષ ૨૦૦૪માં દેવશભાઈને યુએસ માટેના વીઝા મળ્યા હતા ખેતમાં રહેલા રસને લીધે તેમણે વિદેશ જવાનું પસંદ ન કર્યું. ઉપરાંત પોતાની કમ્પ્યુટર એન્જીનીયરીંગ ફીલ્ડની જોબ પણ ન સ્વીકારતા પોતાના બાપ-દાદાની વારસાગત ખેતીને નવા અભિગમથી શરૂઆત કરી.
વર્ષ ૧૯૯૨થી ઓર્ગેનિક ફાર્મિંગ સાથે જોડાયેલ દેવેશભાઈ પટેલ નક્ષત્ર આધારીત પદ્ધતિથી ખેતી કરે છે. આ વર્ષે દેવેશભાઈએ ત્રણ વીઘા પ્લોટની અંદર લોકર વેરાઈટીના બટાકા વાવેતર કર્યા હતા. જેમાં તેમણે બટાકાનુ વાવેતર, ખાતર, રોગ જિવાત નિયંત્રણ સહિતની લણણી સુધીની પ્રક્રિયા નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિથી અપનાવી હતી. દેવેશભાઈ આજે પોતાની ૫૦ વીઘા જમીનમાં મુખ્યત્વે કંદમૂળ, શાકભાજી અને હોર્ટીકલ્ચરની ખેતી કરી રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૮થી સર્ટિફાઇડ ઓર્ગેનિક ફાર્મર છે.


