આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના થોરિયાળી ગામે રહેતા ગોપાલભાઈ પટેલની વાડીએ પરિવાર સાથે મજૂરી કામે આવેલી સુમીબેન રાહુલભાઈ મેડા નામની ૩૫ વર્ષની પરિણીતા વાડીએ હતી ત્યારે પતિ રાહુલ મેડાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી માઠુ લાગી આવતા સુમીબેન મેડાએ ઝેરી દવા પી લીધી હતી.
તેણીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેણીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુમીબેન મેડા મૂળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા બે વર્ષથી થોરીયાળી ગામે રહી ખેતી કામ કરે છે અને તેણીને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિના ઠપકાથી માઠુ લાગી આવતા પરિણીતાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મોરબીમાં આવેલા વિપુલનગરમાં રહેતા નિકુલ લલીતભાઈ ઝાલા નામનો ૨૨ વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર – નિખીલ ભોજાણી