વસ્તુનું મહત્વ નથી પણ ભાવની મહત્તા છે.સેવા કરતા રોમાંચ થાય, સેવા-પૂજા કરતા આંખમાં આંસુ આવે તે સેવા સાચી.સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.સેવા કરતા આનંદ આવવો જોઈએ.ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરી જમો.જમાડતાં પ્રાર્થના કરો કે નાથ..આપ વિશ્વંભર છો,સર્વના માલિક છો. તમને કોણ જમાડી શકે? તમારૂં તમને અર્પણ કરૂં છું.
સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે. આજકાલ લોકો બહુ પુસ્તકો વાંચે છે ભણેલા જ્ઞાની બુદ્ધિશાળી બની જાય છે.સુંદર સુંદર વાતો કરે છે પણ કોઈ સાધન કરતા નથી.મૂર્તિ-પૂજામાં એક અલૌકિક તત્વ સમાયેલું છે.જે સર્વવ્યાપી છે તેને એક જગ્યાએ જોવાના છે.એક જગ્યાએ માનવાના છે.પોતાની સ્થિતિ પ્રમાણે સેવા કરો કે માનસી સેવા કરો.થોડું મળે પણ ઘણું માને તે ઈશ્વર.ઘણું મળે પણ ઓછું માને તે જીવ.જીવને અનેકવાર મળ્યું હોય પણ જો એકવાર ન મળ્યું તો અગાઉનું આપેલું ભૂલી જશે કેમકે જીવ દુષ્ટ છે.
પરમાત્માની સેવાનું ઘણું મહત્વ છે.કોઈ પણ એક જગ્યાએ મન અને ધ્યાન કેન્દ્રિત કરવા કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખી પ્રેમપુર્વક ખુબ જ ભાવથી પ્રભુની સેવા કરો. ચિત્રસ્વરૂપ કરતા મૂર્તિસ્વરૂપ સારૂં છે. મૂર્તિ સ્વરૂપમાં આંખ અને મન પરોવાયેલું રહે છે.મૂર્તિમાં પ્રભુ આવીને બિરાજ્યા છે એવી ભાવના કરવાથી મૂર્તિ ભગવદસ્વરૂપ બને છે.મૂર્તિમાં ભગવદભાવ ન જાગે ત્યાં સુધી દુનિયાના પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર ભાવ જાગતો નથી.સેવા કરતાં સતત નિષ્ઠા (વિશ્વાસ) રાખવાની છે કે મૂર્તિમાં પ્રત્યક્ષ પરમેશ્વર છે.પ્રત્યક્ષ ભગવાન છે.મનમાંથી મલિનતાને કાઢી નાખી શુદ્ધ થઇ અને સેવા કરવાની છે.આપણા હૃદયમાં પ્રેમ હોય તો તે પ્રેમ જ મૂર્તિમાં જાય છે અને મૂર્તિ ચેતન બને છે.પ્રેમ જડને ચેતન બનાવે છે.
એક ભાઇ ઘણા જ દુઃખી અને પરેશાન રહેતા હતા.તેના એક મિત્રે તેને સલાહ આપી કે તૂં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનું શરૂ કરી દે.મિત્રની વાત માનીને તે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ ઘેર લાવીને તેમની પૂજા કરવા લાગ્યો.ઘણા વર્ષો પસાર થવા છતાં તેને કોઇ ફાયદો ના થયો.
બીજા એક મિત્રએ તેને કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા બંધ કરી તૂં માતાજીની પૂજા કર જેનાથી તારા તમામ દુઃખ દૂર થઇ જશે.બીજા જ દિવસે આ ભાઇ માતાજીની મૂર્તિ ઘેર લઇ આવ્યા.તેને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ મંદિરની ઉપર આવેલ અભરાઇ ઉપર મુકી દીધી અને માતાજીની મૂર્તિની મંદિરમાં સ્થાપના કરી પૂજા કરવાનું શરૂ કરી દીધું..
પૂજા કરતી વખતે તેને વિચાર આવે છે કે અગરબત્તી,ધૂપબત્તી જે માતાજીના માટે સળગાવું છું તેની સુગંધ તો શ્રીકૃષ્ણજી પણ લે છે ! એવું કરૂં કે શ્રીકૃષ્ણજીના મોઢા ઉપર કપડું બાંધી દઉં અને નાકમાં રૂ ભરી દઉં..જેવો તે અભરાઇ ઉપર ચઢીને શ્રીકૃષ્ણના નાકમાં રૂ ભરી મોઢા ઉપર કપડું બાંધે છે તે જ સમયે શ્રીકૃષ્ણ ભગવાને પ્રગટ થઇને તેનો હાથ પકડી લીધો.પેલો તો આશ્ચર્યચક્તિ થઇ જાય છે અને ભગવાનને પુછે છે કે આટલા વર્ષો સુધી તમારી પૂજા કરતો હતો ત્યારે ના આવ્યા અને આજે કેમ પ્રગટ થયા ??
ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આજસુધી તૂં એક મૂર્તિ સમજીને મારી પૂજા કરતો હતો પરંતુ આજે તને અનુભૂતિ થઇ કે કૃષ્ણ શ્વાસ લઇ રહ્યા છે બસ એટલે હું આવી ગયો..
૫રમાત્મા અનેક ગુણોના સ્વામી છે.તેમાંનો એક ગુણ નિર્મલ પાવન છે.મનને નિર્મલ બનાવવા દરેકે ૫રમાત્માની અનુભૂતિ કરવી જોઇએ.જો કોઇનું શરીર રોગથી ગ્રસ્ત હોય,મન વિષયોમાં આસક્ત હોય,તેનું ધન ૫ણ પા૫ની કમાણીનું હોય એટલે કે તેનાં તન..મન..ધન ત્રણેય મલિન હોય તે ક્રૂર કર્મો કરનાર હોય,તે વિશ્વાસપાત્ર ૫ણ ના હોય,ભટકતો હોય,તેને ક્યારેય આરામ ૫ણ મળતો ના હોય,તેનો દુર્જનો સાથે સંગ હોય,જે પોતાના કૂળને કલંકિત કરનાર હોય..આવા જન્મજન્માંતરથી પાપી વ્યક્તિને ૫ણ જો ગુરૂની કૃપા પ્રાપ્ત થાય તો તેની ઘેર ઘેર પૂજા (સત્કાર) થાય છે.ગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું દર્શન થાય છે તથા આ નિરાકાર પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા બાદ જ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.
વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે. સુમિરણની દિવ્ય શક્તિની અનુભૂતિ તે ભક્તને જ થાય છે કે જેને પોતાના સદગરૂની કૃપાથી આત્મ સાક્ષાત્કાર કર્યો છે અને જે દરેક સમયે પ્રભુ ૫રમાત્માનો અંગસંગ અનુભવ કરે છે.આજના ૫રીવેશમાં સંત નિરંકારી મિશન નિરાકાર પ્રભુ ૫રમાત્મા કે જે ઘટ ઘટમાં વ્યા૫ક છે,શરણમાં આવનાર માનવને તેમનાં દર્શન (અનુભૂતિ) કરાવી મુક્તિના અધિકારી બનાવે છે.
ભક્ત ભગવાનને જ સર્વશ્રેષ્ઠ માને છે.તેમની દ્દષ્ટિ્માં ભગવદપ્રાપ્તિં (પ્રભુની પ્રત્યક્ષ અનુભૂતિ આત્મસાક્ષાત્કાર)થી વધીને બીજો કોઇ લાભ હોતો નથી.આથી સંસારની કોઇ૫ણ વસ્તુમાં તેનું સહેજ૫ણ ખેંચાણ હોતું નથી એટલું જ નહી પોતાનાં કહેવાતાં શરીર ઇન્દ્દિયો મન અને બુદ્ધિમાં ૫ણ તેને પોતાપણું હોતું નથી પરંતુ તેને ભગવાનનાં જ માને છે.આથી તેને શરીરનિર્વાહની પણ ચિંતા હોતી નથી, ૫છી તે બીજી કંઇ વાતની અપેક્ષા રાખે..? નાશવાન ૫દાર્થો રહેવાના નથી અને અવિનાશી ૫રમાત્માથી ક્યારેય વિયોગ થતો જ નથી…આ વાસ્તવિકતા જાણવાના લીધે ભક્તમાં સ્વાભાવિક જ નાશવાન ૫દાર્થોની ઇચ્છા પેદા થતી નથી.ફક્ત ઇચ્છા કરવાથી શરીર નિર્વાહના ૫દાર્થો મળતા હોય અને ઇચ્છા ન કરવાથી ન મળતા હોય…એવો કોઇ નિયમ નથી.વાસ્તવમાં શરીર નિર્વાહની આવશ્યક સામગ્રી આ૫મેળે પ્રાપ્ત થાય છે કેમકે જીવમાત્રના શરીરનિર્વાહની આવશ્યક સામગ્રીનો પ્રબંધ પ્રભુ તરફથી ૫હેલાંથી જ થયેલો રહે છે. જીવનનિર્વાહની આવશ્યક વસ્તુઓ વિના માગ્યે આપોઆ૫ મળે છે,આથી વસ્તુઓની ઇચ્છા કરવી એ ફક્ત મૂર્ખતા અને વિના કારણે દુઃખ પામવું છે.સિદ્ધ બ્રહ્મજ્ઞાની ભક્તને તો પોતાના શરીરની ૫ણ અપેક્ષા હોતી નથી એટલા માટે તે હંમેશાં નિરપેક્ષ હોય છે.
એક કથા પ્રચલિત છે કે એક ગામમાં એક ગૃહસ્થને ત્યાં લગ્ન હતા.ગોરમહારાજે જોયું તો ગણપતિની મૂર્તિ હતી નહિ.ગોરમહારાજ જ્ઞાની હતા.તેઓ જાણતા હતા કે જ્યાં પ્રેમથી પ્રભુને પધરાવો ત્યાં આવીને ઈશ્વર બેસે છે.નૈવેદ્યનો ગોળ હતો તે ગોળથી ગણપતિ બનાવ્યા. યજમાનને પૂજા કરાવી.ધૂપ-દીપ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો.નૈવેદ્યના ગોળના તો ગણપતિ બનાવ્યા હતા તો હવે નૈવેદ્ય ક્યાંથી લાવવું? એટલે ગોર મહારાજે ફરીથી ગોળના ગણપતિમાંથી થોડો ગોળ કાઢી અને ગોળનું નૈવેદ્ય ધર્યું. ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય, આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થયા અને કાર્યમાં વિઘ્ન ન આવ્યું કારણ આ કાર્ય પાછળ ભાવના શુદ્ધ હતી.


