Gujarat

બનાસકાંઠા જિલ્લામાં ગોબરધન યોજનાના સૌ પ્રથમ અમલીકર આગવી ઓળખ ઉભી કરતું દિયોદર તાલુકાનું નવા ગામ

*કેન્દ્ર સરકારની ગોબરધન યોજના અંતર્ગત ૨૦૦ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરાયા*
       બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાનું નવા ગામ ગોબરધન યોજનાના સાૈપ્રથમ અમલીકરણની આગવી પહેલ થકી ઘરેલુ ગેસ વપરાશમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર આશરે બારસો જેટલી વસ્તી ધરાવતા નવા ગામના 200 જેટલાં ઘરોમાં ગોબરધન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત બન્યા છે, જેનાથી નવા ગામની નવી ઓળખ ઉભી થઇ છે.
         વર્ષ 2021માં કેન્દ્ર સરકાર દ્વારા‎ ગોબરધન યોજના શરૂ કરવામાં આવી‎ છે. આ યોજના હેઠળ ઘરેલુ વપરાશ માટે‎ બાયોગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવે‎ છે. બનાસકાંઠામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે આ યોજના‎નું સૌ પહેલાં અમલીકરણ દિયોદર તાલુકાના નવા ગામમાં કરવામાં આવ્યું છે. જે ગામના પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવાનું નવીન માધ્યમ બન્યું છે. તો ગામની આ પ્રેરણાત્મક પહેલ નવા ગામને બાયોગેસવાળું ગામ તરીકેની આગવી ઓળખ આપી રહ્યું છે.
નવા ગામના ઉત્સાહી અને અન્યોને ગોબરધન પ્લાન્ટ કાર્યરત કરવા સમજાવનાર ડેરીના મંત્રી જયંતિભાઈ પટેલ અને બનાસ ડેરીના સંયુક્ત પ્રયાસોથી નવા ગામના 200 જેટલાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન સફળતાપૂર્વક પૂર્ણ‎ કરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આમાં કેટલાક ઘરો તો એવા છે, કે જેમને પશુપાલનનો વ્યવસાય નથી છતાં એમણે બાયોગેસ પ્લાન્ટ બનાવી પોતાની રોજની ઈંધણની આપૂર્તિનો માર્ગ કાઢ્યો છે. પશુઓના છાણમાંથી‎ બનાવવામાં આવતા છાણાંને‎ સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે‎. જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે એ જ‎ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. જેથી પ્રદુષણ રહિત ઈંધણ દ્વારા રસોઇ બને છે જે સ્વાદિષ્ટ હોય છે તેમજ પ્લાન્ટમાં લાગેલા બલુનમાં ગેસનો‎ ભરાવો થાય ત્યારે એમાંથી સ્લરી‎ બહાર નિકળે છે. આ સ્લરીનો‎ ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી અને અનાજ પકવવા‎માં આવે છે. જેથી આ પ્લાન્ટ બનાવનારને ઈંધણ અને ખાતરનો બમણો લાભ મળવાની સાથે આર્થિક ફાયદો પણ થાય છે. ઓર્ગેનિક ખેતીના હિમાયતી ખેડૂતો કાળા સોના તરીકે ઓળખાતું છાણિયું ખાતર (સ્લરી) ઊંચી કિંમતે ખરીદતા હોય છે.
નવા ગામમાં સૌ પ્રથમ ગોબરધન પ્લાન્ટ કાર્યરત કરનાર ડેરીના મંત્રી જયંતિભાઈ પટેલ જણાવે છે કે બનાસ ડેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુર દ્વારા ગામમાં પશુપાલકોની એક મિટિંગ કરવામાં આવી હતી. જેમાં ગોબરધન યોજના વિશે માહિતી મેળવી મેં પણ મારા ખેતરમાં પ્લાન્ટ કાર્યરત કર્યો છે. જેથી આ પ્લાન્ટથી મને વર્ષે 8 થી 9 હજારનો ફાયદો થાય છે. ગેસની બોટલ દર મહિને ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે, તેમજ છાણીયું ખાતર મળી રહે છે. જેના વેચાણથી સારી ઉપજ મળે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બનાસ ડેરીનો ખૂબ ખૂબ આભાર માનતા પશુપાલક બબીબેન ભારમલભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આ ગેસ પર દૂધ, પાણી ગરમ કરીએ છીએ, રોટલા ઘડીએ છીએ અને બધી રસોઈ બનાવીએ છીએ. આઠ નવ જણનો પરિવાર હોય તોય આ ગેસ ચાલી રહે છે અને રસોઈ સ્વાદિષ્ટ બને છે.
પશુપાલનનો વ્યવસાય ન કરતા હોય એવા ગ્રામજનોએ પણ ગોબરધન યોજનાથી આકર્ષાઈ બાયોગેસ પ્લાન્ટ બનાવ્યા છે. આવા ગ્રામજનો ગામના રખડતાં ઢોરના પોદલા- છાણ એકત્રિત કરે છે જેનાથી ગામના રસ્તા ચોખ્ખા રહે છે અને ગામમાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. સરકાર દ્વારા અમલમાં મુકવામાં‎ આવેલી ગોબરધન યોજના થકી‎ સ્વચ્છતાનો આશય તો બર આવે જ છે‎ સાથો સાથ પર્યાવરણપ્રિય સ્વચ્છ ઇંધણ‎ પણ મળી રહે છે.
ગૃહિણી કિરણબેન નાઈએ જણાવ્યું કે, અમારે પશુપાલનનો વ્યવસાય ન હોવા છતાં બનાસ ડેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગોબરધન યોજના હેઠળ ગોબરગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો છે. અમે ગામના રખડતાં ઢોરોનું છાણ એકત્રિત કરી આ પ્લાન્ટમાં નાખીએ છીએ. જેનાથી અમે રસોઈ બનાવીએ છીએ અને ગેસનો બાટલો લાવવો પડતો નથી.
ત્યારે આ જ ગામના ડાયાભાઈ માવજીભાઈ દરજીએ જણાવ્યું કે અમારે ઢોર ઢાંખર નથી. અમે જ્યારે આ પ્લાન્ટ વિશે જાણ્યું ત્યારે એમ થયું કે આ તો જેને ઢોર હોય અને છાણ મળી રહેતું હોય એના માટેની યોજના છે. પણ પછી સમજાયું કે થોડા છાણના ઉપયોગથી પણ આપણે જરૂરિયાત પૂરતો ગેસ મેળવી શકીએ છીએ ત્યારે મેં પણ આ પ્લાન્ટ બનાવરાવ્યો અને ગામમાં રસ્તામાં પડેલ પોદલા (છાણ) લાવી આ પ્લાન્ટમાં નાખી રસોઈ પૂરતો ગેસ મેળવીએ છીએ. આજના મોંઘવારીના યુગમાં પશુપાલન કરતા પરિવાર માટે આ ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યો છે.
સરહદી બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર જિલ્લો છે. તેમજ રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે ત્યારે ગોબરધન યોજના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટેનો નવીન ધોરીમાર્ગ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતો-પશુપાલકોની આવક બમણી કરવાના સંકલ્પને પૂર્ણ કરવાનું માધ્યમ બની રહેશે.
*બોક્સ*
*પ્લાન્ટમાં વપરાતું બલૂન હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે*
આ પ્લાન્ટ બનાવવા માટે 6 ફુટ પહોળાઇ અને  5 ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ‎ખાડો તૈયાર થઇ ગયા બાદ સરકારી એજન્સી દ્વારા પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે.
જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે અને બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન ‎ થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *