પ્રાકૃતિક હરિયાળી અને વિશાળ લબાલબ ભરેલા તળાવ સાથે કુંદનપુર ગામ આગવી ઓળખ ઉભી કરી છે!
તળાવની દુર્દશા થઇ હોઇ અને સાવ ખાલી ખમ્મ રહેતું હોઇ આગેવાનો ચિંતિત
નર્મદા વિસ્થાપીતોના 500 ઉપરાંત દુધાળા પશુઓને એક ટાઇમ રેશનિંગ કરી ચલામલીના એક ખેડૂત દ્વારા રહેમરાહે પાણી અપાય છે!
નર્મદા નહેર ત્રણ કિમી દુરથી જ નીકળે છે તેનું પાણી તળાવમાં છોડવા માંગ
કુંદનપુરના તળાવનો છોટાઉદેપુર જિલ્લા પંચાયતનો સિંચાઈ વિભાગ વહીવટ કરે છે
બોડેલી તાલુકાના કુંદનપુર ગામે આવેલું જિલ્લા પંચાયતનું સિંચાઈ તળાવ 100 એકર વિસ્તારમાં ફેલાયેલું જિલ્લાનું સૌથી વિશાળ ઘેરાવો ધરાવતું હોવા છતાં તેના અસ્તિત્વ સામે ઝઝૂમી રહ્યું છે. ગ્રામ જનો આ રજવાડાના જમાનાથી અસ્તિત્વ ધરાવતા તળાવની જર્જરીત અવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી સવાલો ઉઠાવ્યા હતા. તે સાથે ચોમાસા દરમિયાન ધોવાયેલા તળાવના પાળાને પૂર્વવત અને મજબૂત કરવા માટે માંગ કરી છે. ગ્રામજનોએ આ સિંચાઈ તળાવમાં એક ટીપુંયે પાણી ન હોવાથી નર્મદા મુખ્ય નહેર મારફતે આ તળાવને ભરવાની પણ માંગ કરી છે. નર્મદાના વિસ્થાપિતો કુંદનપુર પાસેની વસાહતમાં રહે છે.તેઓને નર્મદાના પાણી માટે વચન આપીને વસાવવામાં આવ્યા હતા.ત્યારે આ વિસ્થાપિતોને તો પાણી મળવું જોઈએ તેમ તળાવને ભરવા માટે નર્મદા મુખ્ય નહેરના પાણી ઠાલવવામાં આવે તેવી વિસ્થાપિતોમાંથી પણ માંગણીઓ ઉઠી રહી છે.
કુંદનપુર ગામ ચલામલીને અડીને જ આવેલું છે.વર્ષો જૂનું રજવાડાંઓના વખતનું અહીંનું સિંચાઇ તળાવ આ ગામની ઓળખ ગણાય છે.જેમ નદી કિનારે માનવ સંસ્કૃતિઓનો વિકાસ થયો તેમ કુંદનપુર પણ આ તળાવથી જ ભર્યું ભાદર્યું બન્યું હોવાનું અહીંના રહીશો માને છે.જે તળાવની સમીપ પેઢીઓ સુધી માનવ વસાહત વિકસી અને તેનું તેનાથી સંવર્ધન થયું તે તળાવ જ હવે પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહ્યું છે.જેથી કુંદનપુરના આગેવાનો, રહીશો, સીનીયર સિટીઝનોએ તળાવને પુનર્જીવિત કરવા બીડું ઝડપ્યું છે.આ તળાવે જ કુંદનપુરને સાચવ્યું છે તો તળાવને સાચવવા અને તેની મટતી જતી ઓળખને પુનઃ સંપાદિત કરવા તંત્ર સમક્ષ આગેવાનોએ ગુહાર લગાવી છે.
ઈમરાન મન્સૂરી મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


