બોડેલી તાલુકાના મૂળધર ગામે બે વર્ષના માસુમ બાળકને વન્યપ્રાણી દીપડાએ ગરદનના ભાગેથી લોખંડી જડબાની પકડમાં ખેંચી ઉચકી ગયો હતો. જો કે દીપડાની પાછળ ખેતરોમાંથી લોકોએ દોટ મુકતા દીપડો બાળકને એક કિલોમીટર દૂર લોહી લુહાણ અવસ્થામાં મૂકીને ભાગી ગયો હતો. પરિવાર જનોએ બાળકનો કબજો લેતા બાળકના ગળાના ભાગે દીપડાના અણીદાર દાંતના નિશાન જોવા મળ્યા હતા અને બાળકનું કમ કમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટના અંગે વન વિભાગને જાણ થતા તુંરજ ઘટના સ્થળે પહોંચી જઇ ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળધર ગામના અલ્પેશભાઈ બારીયા જેવો વકીલ પણ છે અને ખેડૂત હોવાથી તેઓના મકાઈના ખેતરમાં તેમના પત્ની, મોટો છોકરો આશિષ બારીયા ઉંમર વર્ષ 2 ખેતી કામ અર્થે બેઠા હતા ત્યારે સમી સાંજે ચાર વાગે અચાનક એક દિપડો તે સ્થળ પર આવ્યો હતો.કોઈ કઈ સમજે વિચારે તે પહેલા જ મોટાભાઈ આશિષની સાથે રમી રહેલા બે વર્ષના સાહિલને આદમખોર દીપડો પરિવારજનો સામેથી ગરદાનના ભાગેથી લોખંડી જડબાઓ વચ્ચે દબોચી લઈ ઊંચકી ગયો હતો.
સાહિલ કુમાર અલ્પેશભાઈ બારીયાને દીપડો ઉઠાવી જવાની ઘટનાને પગલે તેઓના પરિવારજનો અને આજુબાજુના ખેતરના લોકો દીપડો જે દિશામાં બાળકને ખેંચી ગયો તે દિશામાં બચાવો..બચાવો.. ની મદદ માટેની બૂમો પાડતા અને દીપડાને પડકારતા પીછો કર્યો હતો. જોકે દીપડો એક કિલોમીટર દૂર સુધી સાહિલને ખેંચી ઘસડતો લઇ ગયો હતો. ખેતરોમાંથી લોકોનું ટોળું આવતું હોવાનો ભાસ થતાં દીપડાએ બાળકને મકાઈના એક ખેતરમાં છોડી દઈ ભાગી ગયો હતો. પીછો કરતા લોકોને સાહિલનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે વન વિભાગને જાણ કરાતા તુરંત મુળધરના મકાઈના એ ખેતરમાં વન કર્મચારીઓ ઘસી ગયા હતા. દીપડાના લેગ માર્ક, બાળકના મૃતદેહ પર દીપડાના દાંતના નિશાન વિગેરેની નોંધ લઇ પંચનામું કાગળો કરી બાળકના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાની વનવિભાગે ગતિવિધિ હાથ ધરી હતી.
બોક્સ 1
બે વર્ષના સાહિલના મોતથી નાના મુલધર ગામમાં શોકનો માહોલ!
મૂળધર ગામમાં દીપડો પેંધો પડતા અને નાના ફૂલ જેવા માસુમ બે વર્ષના સાહિલ બારીયાનો શિકાર કરતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવાર સાથે આ બાળક રમતું હસતું હતું તે દરમિયાન જ કાળ બનીને દીપડો આવ્યો. થોડી પળોમાં જ સાહિલના મોતને પગલે હસતું ખેલતું પરિવાર ગમગીની અને શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
બોક્સ 2
દીપડાને ઝડપવા વન વિભાગ તાકીદના પ્રયાસો કરે!
– સંજય બારીયા, જિલ્લા પંચાયત સદસ્ય,મુલધર
વન્યપ્રાણી દીપડાની આ વિસ્તારમાં નોંધપાત્ર ચહલ-પહલ જોવા મળી રહી છે.આ અંગે અગાઉ પણ ફરિયાદો ઉઠેલી છે.લોકોની સુરક્ષા માટે આદમખોર બનેલા દીપડાને વન વિભાગ તાકીદે ઝડપી પાડી અન્યત્ર લઈ જાય અને મૂળધર સહિત વિસ્તારના નાગરિકોને સુરક્ષા પુરી પાડે તેવી માંગણી છે.
બોક્સ 3
મારો પૌત્ર શાહિદ તેના મોટાભાઈ આશિષતા ખોળામાં રમતો હતો અને દીપડો ખેંચી ગયો
– રમેશ બારીયા, ભોગ બનનાર બાળકના દાદા
દીપડાએ મારા મોટા પૌત્ર આશિષ જેની ઉંમર 10 વર્ષ છે તેના ખોળામાંથી તેના નાના ભાઈ સાહિલ ને જડબા તળે દબાવી ઉચ્ચકી ગયો હતો. અમારી નજરોની સામે બનેલી આ ઘટનાથી અમે ખૂબ જ આઘાત પામેલા છે. આવી ઘટના બીજા કોઈ પરિવાર સાથે ન બને, કોઈ બીજું માસુમ દીપડાનો શિકાર ના બને એ માટે દીપડાને ઝડપી લેવા અમારી માંગણી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


