કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી સંદર્ભે ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોલેજના વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનાંસ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેલ(એસ.એસ.આઈ.પી.)દ્વારા આજરોજ મુંબઈના આસિસ્ટન્ટ કંટ્રોલર ઓફ પેટન્ટ ડો.અજય ઠાકુરનું સેમીનારરૂપે રાઉન્ડ ટેબલ વ્યાખ્યાન યોજાયું હતું. વ્યાખ્યાનમાં યુનિવર્સિટી સલંગ્ન કોલેજોના સંશોધન ક્ષેત્રે સંકળાયેલા અને એસ.એસ.આઈ.પી. અંતર્ગત આત્મનિર્ભર બનવા માંગતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એક્ષપર્ટ દ્વારા હાજર રહેલ વિદ્યાર્થીઓને “પ્રાયર આર્ટ સર્ચ”(અગાઉના થયેલ સંશોધન શોધવાની રીત) તથા ‘પેટન્ટ ઇન્ફ્રીન્જમેન્ટ’ (કોઈની પેટન્ટનો ખોટો ઉપયોગ કરવો) વિષે તલસ્પર્શી માહિતી આપી હતી.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને રાજ્ય સરકાર તરફથી એસ.એસ.આઈ.પી. પેટે દસ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે જેનો પ્રથમ હપ્તો સરકારશ્રી દ્વારા ચૂકવાઈ પણ ગયો છે. યુનિવર્સિટી સલંગ્ન કોલેજોમાંથી યુનિવર્સિટીના એસ.એસ.આઈ.પી.સેલના નાણાકીય ને ટેકનિકલ સપોર્ટથી બે વિદ્યાર્થીઓની પેટન્ટ ફાઈલ પણ થઇ ગઈ છે. ઉપરાંત યુનિવર્સિટી ભવનના છ વિદ્યાર્થીઓની પેટન્ટ ફાઈલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સંશોધન અને પેટન્ટ થકી વિદ્યાર્થીઓ જોબ સીકર નહિ પરંતુ જોબ ગીવર બને અને રાષ્ટ્રનું ભવિષ્ય પણ ઉજળું બને તે આજના સમયની માંગ હોવાનું યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુનિ.ના એસ.એસ.આઈ.પી. કોઓર્ડીનેટર ડો.મૃણાલ અંબાસણા તથા કો કોઓર્ડીનેટર ડો.દુષ્યંત દુધાગરાએ જહેમત ઉઠાવી હતી.
