એકવાર લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુને ભોજન કરાવી રહ્યાં હતાં.ભગવાન વિષ્ણુજીએ ભોજનનો કોળીયો મુખમાં મુકતાં પહેલાં જ હાથ રોકી લીધો અને ઉભા થઇને ચાલ્યા ગયા.પાછા આવીને ભોજન કરવા લાગ્યા ત્યારે લક્ષ્મી માતા જમતાં જમતાં ચાલ્યા ગયાનું કારણ પુછે છે ત્યારે ભગવાન કહે છે કે મારા ચાર ભક્તો ભુખ્યા હતા તેમને ખવડાવીને આવ્યો છું.
બીજા દિવસે માતા લક્ષ્મીજીએ પરીક્ષા કરવા માટે એક નાનકડી ડબ્બીમાં એક કીડીને પુરી દીધી અને ભગવાન વિષ્ણુ માટે ભોજન પિરસ્યું તો ભગવાન ભોજન કરવા લાગ્યા ત્યારે માતાજી કહે છે કે આજે આપનો એક ભક્ત ભુખ્યો છે અને તમે ભોજન કરવા લાગ્યા ! ત્યારે ભગવાન કહે છે કે એ શક્ય જ નથી.તે જ સમયે લક્ષ્મીજીએ ડબ્બી ખોલી તો તેમને ઘણી જ નવાઇ લાગી ! કેમકે કીડીના મુખમાં ઓખાનો દાણો હતો.
લક્ષ્મી માતા પુછે છે કે બંધ ડબ્બીમાં ચોખાનો દાણો કેવી રીતે આવ્યો? તમે ચોખાનો દાણો કેવી રીતે કીડી સુધી પહોંચાડ્યો? ત્યારે ભગવાને સુંદર જવાબ આપ્યો કે દેવી ! જ્યારે તમે કીડીને ડબ્બીમાં બંધ કરતાં હતાં તે સમયે તમારા કપાળમાં તિલક સાથે ચોટાડેલ ચોખાના દાણામાંથી એક દાણો ડબ્બીમાં પડી ગયો હતો અને તે કીડીને ભોજનના રૂપમાં મળી ગયો.ભક્તવત્સલ પાલનહાર પ્રભુ પરમાત્મા તમામનું ધ્યાન રાખે છે,તેના માટે આવશ્યકતા વિશ્વાસની છે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ