જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૨૮મા પદવીદાન સમારોહમાં
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખ
ભાગ્ભવેત્” ની કામના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદવિદ્યા માણસને જીવન પ્રદાન કરે છે, માનવજીવન માટે આનાથી
ઊંચી કોઈ વિદ્યા નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ભલે પૂર્ણ થયો હોય પરંતુ તેમણે આજીવન વિદ્યા સાથે જોડાયેલા રહેવું જોઈએ.
કારણકે જો ખેડૂત ખેતરે જવાનું અને વિદ્યાર્થી પુસ્તક ખોલવાનું બંધ કરી દે તો તે વ્યર્થ છે. રોગોથી સ્વસ્થ થવાનું કામ દવાઓ કરે
છે પરંતુ રોગોનો નાશ કરવાનું કામ આયુર્વેદ પદ્ધતિ કરે છે. આયુર્વેદ પદ્ધતિ થકી આવનારી પેઢીનું કલ્યાણ થશે. તેમણે
વિદ્યાર્થીઓને ધર્મ, સમાજસેવા, સત્ય અને લોકો સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો તે અંગે સમજણ આપી હતી.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૮મો પદવીદાન સમારોહ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો
હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય આયુષમંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા અને વિશેષ અતિથિ તરીકે
સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા.
આ યુનિવર્સિટીમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે
તેમજ ડી. લિટ.ની પદવી આપવામાં આવી તે ચાર મહાનુભાવોને રાજ્યપાલશ્રી એ અભિનંદન પાઠવ્યા હતા. ભારત દેશ
આઝાદ થયો તે પહેલાં જામનગરના રાજા મહારાજાઓએ અહી ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. શ્રી
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આયુર્વેદનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂકી રહ્યા છે.
જામનગરમાં ડબલ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બની રહ્યું છે, જ્યાં વિશ્વની પરંપરાગત સ્વાસ્થ્ય
પ્રણાલીઓનું રિચર્ચ કરવામાં આવશે, જેના થકી આયુર્વેદ ક્ષેત્રે જામનગરે વિશ્વભરમાં આગવી ઓળખ મેળવી છે. ભારતની
સાંસ્કૃતિક વિરાસત ધરાવતી ગુજરાતની આયુર્વેદ યુનિવર્સિટીએ વિશ્વને અનેક આયુર્વેદ વિદ્વાનો પાઠવ્યા છે.
ધન્વંતરિ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સમારોહમાં વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર પદ્મશ્રી મેળવનાર વૈદ્યશ્રી ગુરદીપસિંઘ,
ડો. પરબાઈ મીનુ હીરાજી, ઇન્દુમતી કાટદરે અને ડૉ. મનોરંજન સાહૂને ડી. લિટ. (ડૉક્ટર ઓફ લિટરેચર)ની પદવી
રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરવામાં આવી હતી. તેમજ ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમડી,
એમએસ અને પીએચડી મળી કુલ ૭૪૧ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર
વિદ્યાર્થીઓને સુવર્ણ મેડલ અને રજત મેડલ એનાયત કરાયા હતા. આ સમારોહમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ચાર
યુનિવર્સિટીઓ જેમાં ગુજરાત વિદ્યાપીઠ,ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટી, વીર
નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર સાથે એમ. ઓ. યુ. કર્યા હતા. આ એમ. ઓ. યુ.
થકી નવી જ દિશામાં શિક્ષણની પરિભાષા અને સંશોધન વિકસતા માનવ વિકાસના દ્વાર ખુલશે.
આ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય આયુષ મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના
પ્રયાસોથી જામનગરમાં ડબલ્યુએચઓનું જીસીટીએમ સેન્ટર શરૂ થઈ રહ્યું છે. જામનગરનું ITRA નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતું
આયુષ સેન્ટર છે. જામનગરની ગુલાબ કુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી છે. છેલ્લા થોડાક વર્ષોમાં
ખાસ કરીને કોરોના બાદ દેશના લોકો આયુર્વેદિક દવાઓ તરફ વળ્યા છે. અને આયુર્વેદિક દવાઓના વેચાણમાં પણ વધારો થયો
છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિએ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. ૨૧મી સદીના યુવાઓની જવાબદારી છે કે તેઓ
આયુર્વેદને આગળ વધારે. ભારતમાં આયુર્વેદનો અમૃતકાળ શરૂ થયો છે. તમામ વિદ્યાર્થીઓ વન અર્થ, વન હેલ્થના સૂત્ર સાથે
ચાલે. છોટી કાશીમાં આજે પધારવાની તક મળી તેમજ વિશ્વપ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓને પદવી
એનાયત કરવામાં આવી અને ચાર મહાનુભાવોને ડી. લિટની પદવી એનાયત કરાઇ તે તમામને અભિનંદન.
આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મુકુલ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમારોહમાં
સાંસદશ્રી ભારતીબેન શિયાળ,આયુષ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રકાશભાઈ પટણી, ITRA ના ડાયરેક્ટરશ્રી અનુપ ઠાકર,
મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા,
કલેકટરશ્રી બી.એ.શાહ, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલું, અગ્રણીશ્રી ડૉ.વિમલભાઈ કગથરા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના
પ્રભારી રજિસ્ટ્રાર શ્રી એચ. પી. ઝાલા, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચન્સલેસરશ્રીઓ, આચાર્યો, વિદ્યાર્થીઓ અને આમંત્રિત
મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


