ભાવનગર
ભાવનગરની એમકેબી યુનિવર્સિટીમાં કોમર્સ પેપર લીક કેસમાં કોર્ટે પેપર લીકના આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી સહિત ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પેપર લીક કેસમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે. કાકડીયા કોલેજની આરોપી વિદ્યાર્થિનીને ઝડપવા પોલીસની ટીમ સુરત રવાના થઇ છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર ૬ નું પેપર લીક થયાના વાતમાં આખરે સતાધીશોએ પેપર લીક થયું હોવાનું કબુલ્યું હતુ અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જી.એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની ધરપકડ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તો ફરાર યશપાલ અને રાહુલ ડાંગરને ઝડપી લેવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે. પેપરના ફોટો કેટલા લોકો સુધી પહોંચ્યા તેની પોલીસ તપાસ કરશે.કોમર્સ પેપર લીક કેસમાં ઝડપાયેલો આરોપી અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગાલાણી એબીવીપી સાથે સંકળાયેલો હોવાના દાવા થયા અને તે બાદ એનએસયુઆઇએ વિરોધ કર્યો હતો. જાે કે તે બાદ એબીવીપીએ લેખિતમાં ખુલાસો કર્યો કે અમિત ગાલાણીને એબીવીપી સાથે કોઇ લેવા દેવા નથી. અને તેઓ એબીવીપીના પ્રાથમિક સભ્ય પણ નથી. માત્ર એક કાર્યક્રમમાં પ્રિન્સીપાલ હોવાથી તેઓ આવ્યા હતા.


