પુરાતન સમયમાં એક સુપ્રસિદ્ધ વૈદ્યરાજ હતા,તે ઘણા જ સાત્વિક અને સાચું નિદાન કરનાર હતા. એક રાત્રીએ એક વૃદ્ધની તબિયત ગંભીર થઇ જતાં તેને બોલાવવામાં આવે છે.વૈદ્યરાજે જોયું કે વૃદ્ધ થઇ ગયા છે,પાકું પાન છે,જુનો અસ્થમા છે,ફેફસા કામ કરતા નથી,રક્તવાહિનીઓ સંકોચાઇ ગઇ છે,શરીરના તમામ અવયવો ઘસાઇ ગયા છે એટલે વૃદ્ધના બચવાની શક્યતા નથી.હવે તે એકાદ દિવસનો મહેમાન છે.
વૃદ્ધ કહે છે કે બતાવો કે મારૂં શું થશે? કોઇ દવાની અસર થતી નથી,બે વર્ષથી પથારીવશ છું.ત્યારે વૈદ્ય કહે છે કે ચિંતા ના કરશો,મેં પુરી તપાસ કરી છે.હું ઘેર જઇને ચિઠ્ઠી તથા દવાઓ મોકલાવું છું.વૈદ્ય ઘેર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને યાદ આવ્યું કે ધનીરામ શેઠનો છોકરો બિમાર છે તો તેની પણ તપાસ કરતો જાઉં.વૈદ્યે યુવાનને તપાસ્યો.યુવાન બિસ્તર ઉપર દર્દથી પિડાઇ રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મારી તબિયત ખરાબ છે,શરીરમાં ઘણી જ અશક્તિ આવી ગઇ છે તો હું ક્યારે સારો થઇશ? ત્યારે વૈદ્ય કહે છે કે ચિંતા ના કરશો તમોને જલ્દી સારૂં થઇ જશે.તમોને બિમારી કરતાં બિમારીનો વહેમ અને ડર વધુ છે આ વહેમને કાઢી નાખો.ત્યારે યુવાન કહે છે કે મને રોગ શું છે એ તો કહો?
ત્યારે વૈદ્યરાજ કહે છે કે હું હાલ તો મારા ઔષધાલય જાઉં છું તમારી બિમારી વિશે વિશ્ર્લેષણ કરીને ચિઠ્ઠી તથા દવાઓ મોકલાવું છું.
વૈદ્યરાજે બે ચિઠ્ઠીઓ તૈયાર કરી અને પોતાના કંપાઉન્ડર મારફતે બંન્નેની દવાઓ પણ ચિઠ્ઠી સાથે મોકલાવી. હવે ઘટના એવી બને છે કે જે ચિઠ્ઠી અને દવાઓ યુવાનને આપવાની હતી તે પેલા વૃદ્ધ પાસે પહોંચી ગઇ અને જે ચિઠ્ઠી અને દવાઓ વૃ્દ્ધને આપવાની હતી તે ભૂલથી યુવાનને આપી દીધી અને તે ચિઠ્ઠીમાં વૃદ્ધના માટે લખ્યું હતું કે શરીરનો કોઇ ભરોસો નથી તો પદ પ્રતિષ્ઠા અને પૈસાનો શું ભરોસો? પદ પ્રતિષ્ઠા અને પૈસા શરીર ઉપર આધારીત છે.જેટલું શક્ય બને તેટલું પ્રભુનું સુમિરણ કરો અને તમારી ધન સંપત્તિ બાળકોના હવાલે કરી દો.તમારામાં થોડી શક્તિ આવી જાય તેવી ઉત્તેજક દવાઓ મોકલી રહ્યો છું. પ્રભુ પરમાત્માનું ઘણું જ સુમિરણ કરો,શરીર તો કોઇનું પણ કાયમ રહેવાનું નથી,હવે તમારો અંતિમ સમય નજીક છે,એકમાત્ર ભગવાન જ હવે તમારૂં સાચું શરણ છે.હવે તમે સંસારમાં વધુ દિવસો રહી શકો તેમ નથી,તમે એક-બે દિવસના જ મહેમાન છો..
શેઠના નવયુવાન દિકરાએ આ ચિઠ્ઠી વાંચી એવો જ બેહોશ થઇ ગયો.તે ખાટલામાંથી ઉભો જ થઇ શકતો નથી.મદદ માટે પોતાની પત્નીને નજીક બોલાવે છે.તે પોતાની જાતે ખાટલામાં પડખું પણ ફેરવી શકતો નથી.યુવાન આખી રાત ઘણી જ બુમો પાડે છે જેથી સવાર પડતાં જ શેઠનો નોકર વૈદ્યરાજને બોલાવવા જાય છે અને કહે છે કે શેઠના દિકરાની તબિયત ઘણી જ ગંભીર છે તમે તાત્કાલિક ચાલો.
વૈદ્યરાજે કહ્યું કે શેઠના દિકરાની તબિયત ગંભીર તો હતી જ નહી.ગઇકાલે હું જાતે તપાસ કરવા આવ્યો હતો ત્યારે તેને સામાન્ય જ બિમારી હતી એટલે મારે આવવાની જરૂરીયાત લાગતી નથી.હમણાં મારા પૂજા-પાઠનો સમય છે એટલે હું હમણાં આવી શકું તેમ નથી.
નોકરે આવીને યુવાનને કહ્યું કે વૈદ્યરાજ કહે છે કે હવે મારે આવવાની જરૂર નથી ત્યારે યુવાનને લાગે છે કે ખરેખર હવે મારે આ દુનિયા છોડીને જવાનો સમય થઇ ગયો છે એટલે વૈદ્યરાજ આવીને પણ શું કરી શકશે.યુવાનની તબિયત વધુ બગડતી ગઇ અને બપોર સુધીમાં તો તેની તબિયત એટલી ખરાબ થઇ ગઇ કે જાણે હવે તેનો અંતિમ સમય નજીક આવી ગયો હોય ! વૈદ્યરાજના મનમાં વિચાર આવ્યો કે વારંવાર શેઠના માણસો બોલાવવા આવી રહ્યા છે એટલે કંઇક ગંભીર સમસ્યા છે તો રૂબરૂ જઇને તપાસ તો કરૂં એમ વિચારીને તે શેઠના ઘેર આવે છે.
વૈદ્યરાજે યુવાનની તપાસ કરી અને કહ્યું કે કાલ સુધીમાં તો આ યુવાનની હાલત ઘણી જ સારી હતી તો ઓચિંતા આ શું થઇ ગયું? ત્યારે યુવાન કહે છે કે આપે તો કહ્યું હતું કે તમે એક-બે દિવસના મહેમાન છો.રાત્રે તમે જે ચિઠ્ઠી મોકલાવી હતી તે વાંચ્યા બાદ જ મારી તબિયત વધુ બગડી ગઇ છે અને હવે તો મને મૃત્યુ સામે દેખાય છે કે હું હવે મરી જવાનો છું.વૈદ્યરાજ ! મેં મારા સસરાપક્ષના લોકોને અને મારા કુટુંબીઓને તાર કરીને બોલાવી લીધા છે.હું તમારા પગે લાગું છું,લખીને હું વચન આપું છું કે મારી તમામ ધન-સંપત્તિ હું આપશ્રીને અર્પણ કરૂં છું પરંતુ હું સાજો થઇ જાઉં એવું કંઇક કરો,મને જીવનદાન આપો.
હવે હું મરી જવાનો..હવે હું મરી જવાનો.. આવા પ્રકારનો યુવાન વિલાપ કરે છે.તે સમયે વૈદ્યરાજ પોતે લખીને મોકલેલ ચિઠ્ઠી માંગે છે કે આવું કેમ બન્યુ? ચિઠ્ઠી હાથમાં લઇને વૈદ્યરાજે વાંચી તો તે ઘણા જ જોરજોરથી હસવા લાગ્યા અને બોલ્યા કે અરે ! આ ચિઠ્ઠી તો ગઇકાલે હું એક વૃદ્ધની તપાસ કરવા માટે ગયો હતો તેની છે અને આ ઉત્તેજીત દવા પણ મેં તેમના માટે લખી હતી.તને તો ફક્ત સામાન્ય તાવ છે, તારી દવા તો અલગ છે.આ તો મારા કંપાઉન્ડરની ભૂલથી જે વૃદ્ધને દવા અને ચિઠ્ઠી અને દવાઓ આપવાની હતી તે તમોને આપી દીધી છે.મારાથી જ ભૂલ થઇ છે હવે હું ક્યારેય બીજા મારફતે દવા કે ચિઠ્ઠી નહી મોકલાવું..
વૈદ્યરાજે યુવાનને વિશ્વાસની વાતો સંભળાવી તો તે ખાટલામાંથી ઉભો થઇ ચાલવા લાગ્યો અને જમવાનું મંગાવીને ભરપેટ જમ્યો અને વૈદ્યરાજને કહે છે કે ચાલો આપણે પેલા વૃ્દ્ધ પાસે જઇએ અને તપાસ કરીએ કે તેની શું હાલત છે કેમકે તે જીંદગીના અંતિમ કલાકો પસાર કરી રહ્યા હતા.યુવાન અને વૈદ્ય જ્યારે તે વૃદ્ધના ઘેર પહોંચીને જુવે છે તો વૃદ્ધનો પલંગ મકાનના પ્રથમ માળે હતો તેને નીચે લાવવામાં આવ્યો છે.જે ગંભીર બિમાર હતો,પોતાની જાતે પલંગમાં પડખું પણ બદલી શકતો ન હતો તે રસોઇઘરમાં બેસીને દૂધ અને રોટલી ખાઇ રહ્યો હતો.
વૈદ્યરાજને આવેલા જોઇને તે પ્રસન્ન વદને કહે છે કે તમે વૈદ્યરાજ નહી પરંતુ મારા ભગવાન છો. ભગવાન તમારૂં ભલું કરે.તમારી દવામાં શું ચમક હતી ! તમારી ચિઠ્ઠી વાંચી કે તમોને કોઇ મોટી બિમારી નથી,થોડીક કમજોરી છે.તમે બિમારીના ખોટા વહેમમાં ફંસાઇ ગયા છો.ખરેખર..ચિઠ્ઠી વાંચીને મેં વહેમ કાઢી નાખ્યો અને મારામાં શક્તિ આવી ગઇ.હવે તો હું પલંગ ઉપરથી જાતે ઉતરીને રસોઇઘર સુધી જમવા આવી શકું છું.
શેઠનો દિકરો બોલવા જઇ રહ્યો હતો કે દાદા ! આ ચિઠ્ઠી અને દવા તો મારી હતી તે જ સમયે વૈદ્યરાજ ઇશારો કરીને તેને ચુપ કરીને કહે છે કે અહી તો કામ થઇ ગયું છે.ત્યારે પેલા વૃ્દ્ધ કહે છે કે વૈદ્યરાજ ! બે વર્ષથી હું દવા ખાઇ રહ્યો હતો અને મને એવા લલ્લુ-પંજૂ વૈદ્ય મળ્યા કે જેમના ચક્કરમાં બિમારનો બિમાર જ રહ્યો હતો.તમારા જેવા વૈદ્ય જો મને પહેલાંથી જ મળ્યા હોત તો મારે બે વર્ષ સુધી બિસ્તર ઉપર ના રહેવું પડ્યું હોત.ત્યારે વૈદ્યરાજ તેને આર્શિવાદ આપે છે કે તમારૂં મંગલ થાઓ, તમે ઘણું જીવો..
વૈદ્યના વચનથી જે પથારી ઉપર હતા, જીવનની અંતિમ ઘડીઓ ગણી રહ્યા હતા તે વ્યક્તિ વધુ લાંબુ જીવ્યા.આવા અનેક દ્રષ્ટાંતો અમોને સમાજમાં જોવામાં આવે છે.વર્તમાન સમયમાં જે ર્ડાકટરો દર્દીઓની પુરતી કાળજી રાખતા નથી અને પોતાના અંગત સ્વાર્થ માટે,દર્દીઓને લૂંટવાના ઇરાદાથી દર્દીઓને ડરાવે છે,આવા ર્ડાકટરોને ભગવાન સદબુદ્ધિ આપે અને તેઓ સુધરી જાય કેમકે આ સુધરવાની સિઝન છે.
આપણા સુપ્ત મનમાં એટલું સામર્થ્ય છે કે ખખડી ગયેલા શરીરને જીવન આપી શકે છે અને સારા શરીરને પણ બિમાર કરી શકે છે.આપણે મનમાં જેવો દ્રઢ સંકલ્પ-વિકલ્પ કરીએ તેવું જ મન બની જાય છે. ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ સદગુણો જ્યાં રહે છે ત્યાં પ્રભુ પરમાત્મા પગ-પગ ઉપર પોતાની કરૂણા-કૃપા આપણી ઉપર છલકાવે છે તેમાં સહેજપણ શંકા નથી.
ઉપનિષદ કહે છે કે મનુષ્યમાં મન જ બંધન અને મોક્ષનું કારણ છે.મન જ તમારા બંધન અને મુક્તિનું કારણ છે.મનુષ્ય જેવા વિચારો કરે છે માણસ તેવો જ તે બની જતો હોય છે.જે નકારાત્મક વિચારે છે,ઘૃણાત્મક વિચારો કરે છે તેને ઘૃણા જ મળે છે અને તેને નકારવામાં આવે છે અને જે સકારાત્મક વિચારો કરે છે,વાહ વાહ કરે છે,બીજાઓનો ધન્યવાદ કરે છે અને કહે છે કે હું આ કામ કરી દઇશ જ..આ કામ મારાથી થશે જ ! આવું વિચારે છે,નિરાશા-હતાશાની વાતો કરતો નથી તેને દરેક સ્તરે સફળતા મળે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


