સોનામાં આભુષણોની,માટીમાં ઘડાની, સૂતરમાં વસ્ત્રની મિથ્યા કલ્પના છે તેવી જ રીતે ચેતન તત્વમાં જગતની મિથ્યા કલ્પના છે.નામ-રૂ૫-ગુણ અને વિકારોથી રહિત તમે બ્રહ્મનું રૂ૫ છો તેવું ચિત્તમાં ચિન્તન કરો.સુખી થવું હોય તો સંસારના મિથ્યા પ્રલોભનોમાં ફસાયા વિના ફક્ત સત્યનું પાલન કરી તમામમાં ઇશ્વરનાં દર્શન કરવાં.પરમાત્માનું નામ સત્ય છે,લૌકિક નામ મિથ્યા છે છતાં મનુષ્ય નામ અને રૂપમાં ફસાયેલો છે.મનુષ્ય કોઈ સત્કર્મ સેવા દાન કરે છે પણ તે નામ ના માટે કીર્તિ માટે કરે છે અને તેથી કરેલા પુણ્યનો ક્ષય થાય છે.
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.અભિમાનના નવ પ્રકાર છેઃકૂળ સં૫ત્તિ બળ સત્તા રૂ૫ વિદ્વતા ચારિત્ર્ય કર્તવ્યનું અભિમાન અને દશમું અભિમાન ગણાવ્યું નથી ૫ણ તે અતિ જોખમી છે તે એ કે મને અભિમાન આવતું નથી અથવા હું અભિમાનથી ૫ર છું એવા ભાવની હાજરી અથવા તો નમ્રતા દેખાડવાનો પ્રયત્ન કરવો તે દશમું અભિમાન છે.ગુણોનું અભિમાન થવાથી દુર્ગુણો આપોઆ૫ આવી જાય છે.વાસ્તવમાં ગુણોના અભિમાનમાં ગુણ ઓછા અને દુર્ગુણ (અભિમાન) વધારે હોય છે.અભિમાનથી દુર્ગુણોની વૃદ્ધિ થાય છે કેમકે બધા દુર્ગુણ દુરાચાર અભિમાનના જ આશ્રિત રહે છે.
જેનામાં અભિમાન-અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે વિનમ્રતા છે જેના હ્રદયમાં મિઠાસ છે જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.જો અમારા હ્રદયમાં વેર નફરત ઇર્ષા તથા અભિમાનની ભાવના છે તો અમે સુખી થઇ શકવાના નથી કારણ કે આ ભાવના સળગતા કોલસા જેવી છે જે પોતે બળે છે અને બીજાને ૫ણ બાળે છે.અભિમાનમાંથી ક્રોધ જાગે છે અને ક્રોધમાંથી કર્કશ વાણી ઉત્પન્ન થાય છે.
જે પ્રભુ પરમાત્માનાં દર્શન કરી લે છે તે જ આનંદિત જીવન જીવે છે.વાસ્તવિક સુખ અનંતમાત્રાનું અને અનંતકાળ સુધીનું હોય છે એટલે કે તે ક્યારેય સમાપ્ત થતું નથી જ્યારે સાંસારીક સુખ સીમિત સમય અને સીમિત માત્રામાં હોય છે.સાંસારીક સુખમાં દુઃખ મિશ્રિત હોય છે અને છેલ્લે દુઃખમાં તબદીલ થાય છે. માની લો કે દર મહિને અમે અમે થોડા થોડા પૈસા બચાવીને એક સાયકલ લાવીએ છીએ જેનાથી અમોને સુખ થાય છે પરંતુ મોટરસાયકલ જોયા બાદ સાયકલનું સુખ ચાલ્યું જાય છે.હવે અમે મોટર સાયકલ લાવવાનું આયોજન કરીએ છીએ અને મોટર સાયકલ લઇ આવીએ જેનાથી ફરીથી અમોને સુખ થાય છે પરંતુ તેનાથી આગળ અનેક પ્રકારની કારોને જોઇએ છીએ તો ફરીથી દુઃખી થઇએ છીએ.કામના પૂર્તિ થતાં વધુ મેળવવાનો લોભ ઉત્પન્ન થાય છે અને કામનાની પૂર્તિ ના થાય તો ક્રોધ પૈદા થાય છે.સંસારનું સુખ મૃગજળ જેવું ભ્રાંત હોય છે તેમછતાં અભ્યાસવશ અમે તેના તરફ આકર્ષિત થઇએ છીએ.માનવ યોનિ જ્ઞાન પ્રધાન છે.ભગવાને સંકલ્પ-વિકલ્પ કરવાની શક્તિ આપી છે એટલે તત્વજ્ઞાનની પ્રાપ્તિ પછી મિથ્યા અભિમાનનો ત્યાગ કરીએ.
સુમિત્રાબહેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા,જી.પંચમહાલ


