રાજકોટ
રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ પાસે ઝાડીમાંથી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આથી ક્રાઈમ બ્રાન્ચ અને આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે કાર્યવાહી કર્યા બાદ બાળીકનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ તપાસમાં આ બાળકીના પિતા રહસ્યમય રીતે ગુમ છે. બાળકીની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બાળકી ઉત્તરપ્રદેશના પરિવારની હોવાનું ખુલ્યું છે. બાળકી સાથે અઘટિત કૃત્ય થયાની પણ આશંકા વ્યક્ત કરાઇ છે. જાેકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકિકત બહાર આવશે. બાળકી અને તેના પિતા ૩ દિવસથી ગુમ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે પણ પિતાની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી ચકચાર મચી ગઈ છે. બાળકી અને તેનો પરિવાર રસુલપરામાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. સવારે બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી આવી હતી. બાદમાં આસપાસમાં રહેતા લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. બાળકીનો મૃતદેહ મળી આવ્યો તે વિસ્તાર એકદમ દુર્ગમ અને જંગલ ઝાડીવાળો વિસ્તાર છે. એક મહિના પહેલા ગોંડલના રેલવે સ્ટેશન પાછળ રહેતો યુવાન ત્રણ દિવસથી ગુમ હોય પરિવાર, પોલીસે તપાસ હાથ ધરી હતી, પરિવારે ગુમશુદાની ફરિયાદ નોંધાવતાં શોધખોળ આરંભી હતી અને એવામાં યુવાનનો મૃતદેહ પાંજરાપોળ પાસે નદીના પટમાંથી મળી આવતાં પોલીસે વિગતે તપાસ હાથ ધરી હતી. ગોંડલી નદીમાં મૃતદેહ જાેવા મળતાં નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક ગોંડલ રેલવે સ્ટેશન પાછળ રહેતા મનીષભાઈ માંડવીયાનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. પરિવારજનોએ મનીષભાઈની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવાનનો મૃતદેહ મળી આવતા સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


