મહાનગરપાલિકા જૂનાગઢના વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર ઘાસચારો નાખવા તથા વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવવા તથા માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે
વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તથા ટ્રાફિક નિયમન થઈ શકે, મનુષ્યના જાન સ્વાસ્થ્ય અને સલામતી જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટશ્રી દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં જાહેર માર્ગો ફૂટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈપણ વ્યક્તિએ ઘાસચારાનું વેંચાણ કરવું નહીં કે, જાહેરમાં ઘાસચારો નાખવો નહીં.
જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં માલિકીના ઢોરને જાહેરમાં તેમજ રસ્તા ઉપર છોડી મૂકવા નહીં કે રખડતા ભટકતા રહે તે રીતે રાખવા નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૧૫/૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે
