વડોદરા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ઉમા કોમ્પલેક્સના કોમ્પ્યુટર ક્લાસના ચોથા માળેથી લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારમાંથી વૃદ્ઘનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં લિફ્ટના સળિયા કાપીને રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વડોદરાના વાઘોડિયા ઉમા ચાર રસ્તા પાસે ઉમા કોમ્પલેક્સના ચોથા માળેથી ગત રાત્રે લિફ્ટ તૂટી હતી. જેમાં એક પરિવારનાં દાદા-પુત્ર અને બે પૌત્રી ફસાયાં હતાં. ફાયરબ્રિગડની ટીમ દ્વારા તમામને ૪૦ મિનિટમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં વૃદ્ઘ લાલજીભાઇ પાંડેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરા શહેરના આજવા રોડ કાન્હા લેન્ડમાર્કમાં રહેતા સંજય પાંડે ઉમા ચાર રસ્તા પાસે ડોમીનોઝ પિઝાવાળા બિલ્ડિંગમાં ચોથા માળે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર ધરાવે છે. દોઢ વર્ષ અગાઉ શરૂ કરેલી ઓફિસ તેઓ તેમના પિતા લાલજીભાઇ પાંડે (ઉં.વ. ૭૦)ને બતાવવા માટે લાવ્યા હતા. આ દરમિયાન સંજયભાઇની બે પુત્રીઓ શ્રેયા પાંડે અને સાનવી પાંડે પણ સાથે હતી. પિતા લાલજીભાઇ અને તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના જયપુરનો વતની છે. લાલજીભાઇ વતનથી પુત્રને મળવા વડોદરા આવ્યા હતા. જેથી પુત્ર સંજયભાઇ પિતાને પોતાની ઓફિસ બતાવવા લાવ્યા હતા. સાંજે પાંડે પરિવાર ઓફિસ જાેવા માટે ચોથે માળે પહોંચ્યો હતો. જેમાં લિફ્ટમાં બેઠેલાં દાદા-પુત્ર અને પૌત્રીઓ લિફ્ટ તૂટતાં નીચે પટકાયાં હતાં. આ લિફ્ટ ૧૨ વર્ષ જૂની હતી અને ચાર લોકોની કેપેસિટી હતી. પરંતુ ચારેય લોકો વજદાર હોવાથી આ લિફ્ટમાં વજન વધતા લિફ્ટ તૂટી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાને પગલે પાણીગેટ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડફ્લોર વચ્ચે ફસાયેલી લિફ્ટની જાળી કટરથી કાપી સમગ્ર પરિવારને દોરડાથી બાંધી ઉપર ખેંચી રેસ્ક્યૂ કરાયો હતો. લિફ્ટ તૂટવાની આ ઘટનામાં વૃદ્ઘ લાલજીભાઇ પાંડેને પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે.


