અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ૩ વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની ૭૫મી સદી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ મેચ મહત્વપૂર્ણ છે. ભારત ઓવલમાં રમાનાર ફાઇનલ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ પ્રથમ વખત જીતવા માંગશે. જાે ટીમ આ મેચ જીતશે તો તે ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. સદીના મામલામાં કોહલી માત્ર સચિન તેંડુલકરથી જ પાછળ છે. સચિને ૧૦૦ સદી ફટકારી છે. જ્યારે કોહલી બીજા નંબરે છે જેની ૭૫ આંતરરાષ્ટ્રીય સદી થઈ છે. નવેમ્બર ૨૦૧૯ પછી વિરાટ કોહલીએ આ પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી. આ અગાઉ ત્યારબાદ તેણે ઈડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ સામે ૧૩૬ રન બનાવ્યા હતા. તે ટેસ્ટની ૪૧ ઇનિંગ્સ બાદ અહીં પહોંચ્યો છે. તેણે વનડેમાં ૪૬ અને ટી૨૦ ઈન્ટરનેશનલમાં સદી ફટકારી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની એકંદરે ૨૮મી સદી છે. અમદાવાદમાં મેચના ચોથા દિવસે ભારતીય ટીમે ૩ વિકેટે ૨૮૯ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રવિન્દ્ર જાડેજા ૨૮ રન બનાવી ઓફ સ્પિનર ??ટોડ મર્ફીનો શિકાર બન્યો હતો. કોહલીએ ૨૪૧ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં તેણે ૫ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે અક્ષર પટેલ પણ સારું રમી રહ્યો હતો. ભારતીય ટીમ આ ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી આગળ છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં કાંગારૂ ટીમે ૯ વિકેટે જીત મેળવી હતી. ચોથી ટેસ્ટમાં પણ તેના બેટ્સમેનોએ જાેરદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૪૮૦ રન બનાવ્યા હતા. ઓપનર ઉસ્માન ખ્વાજા અને લોઅર ઓર્ડર બેટર કેમરન ગ્રીને સદી ફટકારી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે અગાઉ જ ક્વોલિફાઈ થઈ ગયું છે. ભારત અને શ્રીલંકાની ટીમો અત્યારે ફાઈનલની રેસમાં છે. અન્ય ટીમો બહાર થઈ ગઈ છે. પ્રથમ સિઝનમાં પણ ભારતીય ટીમ ટાઈટલ રાઉન્ડમાં પ્રવેશવામાં સફળ રહી હતી. જ્યાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની વાત કરીએ તો પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા નંબર પર છે. તે સચિન તેંડુલકરના રેકોર્ડથી ૨૫ સદી દૂર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૧ સદી, શ્રીલંકાના કુમાર સંગાકારાએ ૬૩ અને દક્ષિણ આફ્રિકાના જેક કાલિસે ૬૨ સદી ફટકારી છે.


