Gujarat

વિશ્વાસ

જ્યાં સુધી પરમાત્માની  અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં વિશ્વાસ પેદા થતો નથી.જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી.

એક નવવિવાહિત વ્યક્તિ પોતાની પત્ની સાથે ઘેર જઇ રહ્યો હતો.પતિ-પત્ની વચ્ચે ઘણો જ પ્રેમ હતો.પોતાના ઘેર જવા અન્ય કોઇ રસ્તો ન હોવાથી એક વિશાળ નદી નાવમાં બેસીને પસાર કરવાની હતી. તે બંન્ને નાવમાં બેસે છે.નાવિક હલેસા મારીને નાવ ચલાવી રહ્યો છે,નાવ અધવચ્યે પહોંચે છે ત્યાં જ અચાનક ચારે બાજુથી ભારે તોફાન-વાવાઝોડું આવે છે અને નદીમાં મોટા મોટા તરંગોના લીધે નાવમાં પાણી ભરાવા લાગે છે.પત્ની ખુબ જ ગભરાઇ જાય છે અને બુમાબુમ કરે છે પરંતુ તેનો પતિ શાંત અને ચુપચાપ બેસી રહ્યો છે.પત્ની તેના પતિની નજીક આવીને પુછે છે કે આવા ભયંકર તોફાનથી ગમે ત્યારે નાવ ડૂબી જવાની સંભાવના છે છતાં આપને ડર નથી લાગતો? તેમછતાં પતિ શાંત મુદ્રામાં બેઠેલો જોઇ પત્ની ગંભીર બનીને ફરીથી બુમાબુમ કરે છે.

અચાનક પતિએ મ્યાનમાંથી તલવાર કાઢીને પત્નીની ગરદન ઉપર ઘા કરવા ઉગામે છે.જે પત્ની તોફાનથી ગભરાઇને બુમાબુમ કરી રહી હતી તે પતિના આવા વર્તનથી હસવાનું શરૂ કરે છે ત્યારે પતિ પુછે છે કે તને મારવા માટે મેં તલવાર કાઢી તારી ગરદન ઉપર મૂકી છતાં તૂં ગભરાવાના બદલે હસે છે કેમ? ત્યારે પત્ની કહે છે કે તમે મને ખુબ જ પ્રેમ કરો છે અને મને તમારી ઉપર પુર્ણ આસ્થા અને વિશ્વાસ છે કે આપ મને મારવા માટે ક્યારેય આ તલવારનો પ્રયોગ કરી જ ના શકો.ત્યારે તેનો પતિ કહે છે કે તને જેવો મારી ઉપર વિશ્વાસ છે તેનાથી પણ વધુ મને પોતાના પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ છે.પ્રભુ ક્યારેય આ નાવને ડૂબવા દેશે નહી અને આપણે આ તોફાનથી હેમખેમ પાર ઉતરી જઇશું.

વિશ્વાસ વિશે એક બોધકથા જોઇએ..એક દૂધ વેચનાર ગોવાલણ રોજ સવારે નજીકના શહેરમાં વેચવા જતી હોય છે.ગોવાલણના ગામથી શહેરમાં જવા માટે વચ્ચે આવતી નદી પસાર કરવાની હોય છે. એકવાર તે દૂધ વેંચતી હોય છે તે વિસ્તારમાંથી તેને એક દિવ્યવાણી સાંભળવા મળી.એક સંત કથા કરી રહ્યા હતા.સંત કહી રહ્યા હતા કે “જો તમોને ભગવાન ઉપર વિશ્વાસ છે તો આપ સરળતાથી સમુદ્રને પાર કરી શકો છે,સર્વશક્તિમાન ઇશ્વરને યાદ કરવાથી સરળતાથી મોક્ષ પ્રાપ્ત કરી શકો છે.” ગોવાલણે સંતના શબ્દો ખુબ જ ધ્યાનથી સાંભળીને પોતાના દિલમાં સ્થાપિત કરી લીધા.તે જ્યારે નદી કિનારે પહોંચી તો નદીમાં પાણીનું સ્તર ઘણું જ વધી ગયું હતું જેથી નદી પાર કરવી કઠીન હતું.તેને નાવિકની શોધ કરી પરંતુ કિનારા ઉપર કોઇ નાવ ઉપલબ્ધ નહોતી તે સમયે તેને સંતની દિવ્યવાણી યાદ આવી.તેને સર્વશક્તિમાન ઇશ્વરને પૂર્ણ વિશ્વાસથી યાદ કર્યા અને નદીમાં જેવો પગ મુક્યો તો નદીમાં મારગ મળ્યો અને તેને આનંદપૂર્વક નદી પાર કરી લીધી.આમ તેની રોજની દિનચર્યા બની ગઇ.તેને ઇમાનદારીથી પ્રભુ પરમાત્માને યાદ કર્યા અને નદીમાં મારગ મળી જતો અને પગ પણ ભીના થયા વિના નદી પાર કરી લેતી હતી.

એક દિવસ ગોવાલણે સંતને પોતાના ઘેર પગલાં પાડી આર્શિવાદ આપવા અનુરોધ કરી આમંત્રણ આપ્યું.સંતે ગોવાલણનું નિમંત્રણ સ્વીકારી બીજા દિવસે સંત તેના ઘેર જવા માટે ગોવાઇણ સાથે નીકળી નદી કિનારે આવ્યા ત્યારે નદી બે કાંઠે વહેતી હતી.ગોવાલણે પ્રભુ પરમાત્માને યાદ કરી નદીમાં જેવી આગળ વધી તો નદીમાં મારગ મળી ગયો.થોડા આગળ ગયા પછી ગોવાલણે પાછું વળી જોયું તો સંત તો હજું નદીના કિનારે જ ઉભા હતા કે જેઓ કથામાં સર્વશક્તિમાન પ્રભુ પરમાત્મા ઉપર વિશ્વાસની વાતો કરતા હતા પરતું સંતને પોતાના શબ્દો ઉપર જ વિશ્વાસ નહોતો તેથી નદીમાં પગ મુક્યો પરંતુ ગંભીરરૂપે ડરી રહ્યા હતા,તેમને મારગ મળતો નહોતો.

ગોવાલણ નદીની અધવચ્ચેથી પાછી કિનારે આવી સંતને કહે છે કે આપ મારો હાથ પકડો સંતે ગોવાલણનો હાથ પકડી જેવો નદીમાં પ્રવેશ કર્યો તો તેમને પણ શુષ્ક મારગ મળે છે અને ગોવાલણની સાથે સાથે નદી પાર કરી લે છે.

આ બોધકથાનો સાર એ છે કે અમે જે કંઇ કરીએ છીએ, જોઇએ છીએ,બોલીએ છીએ તેના ઉપર અમારો વિશ્વાસ છે? સર્વશક્તિમાન પ્રભુ પરમાત્મા તો અમારી સાથે અંગસંગ છે તેના મહિમાને યાદ કરવાથી,પૂર્ણ વિશ્વાસ કરવાથી પાત્ર બની શકાય છે.ફક્ત કોરી વાતો કરવાથી કલ્યાણ થવાનું નથી.

એક પ્રભુ પરમાત્માને જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી,વિશ્વાસ વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.સંતોને વિશ્વાસ હોય છે કે ઇશ્વર જે કંઇ કરે છે તે યોગ્ય જ કરે છે અને અસંત હંમેશાં માન-સન્માન પ્રાપ્‍ત કરવાની દોડમાં લાગેલા રહે છે.ભવસાગરમાંથી પાર ઉતરવા સદગુરૂના વચનોમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે.

પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃશ્રધ્ધા અને બુધ્ધિ.આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે.માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.ઇશ્વર,શાસ્ત્ર વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.જ્ઞાનથી વિશ્વાસ,વિશ્વાસથી પ્રેમ અને પ્રેમની દ્દઢતાથી ભક્તિમાં દ્દઢતા આવે છે.વિશ્વાસ પ્રેમની ૫હેલી સીડી છે.કોઇ૫ણ સબંધનો પાયો વિશ્વાસ ઉ૫ર ટકેલો છે.સાથે સાથે નારી,ધૂર્ત,આળસુ,ક્રોધી,અહંકારી,ચોર,કૃતઘ્ન અને નાસ્તિક ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહિ.

S.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *