એક સંત વિમાન મારફતે વિદેશ યાત્રાએ જઈ રહ્યા હતા અને વિમાને સફળતાપૂર્વક ટેઈકઓફ કર્યું, થોડો સમય પસાર થયો ત્યાં વિમાનમાં અચાનક જ કોઇ ટેકનિકલ ખામી સર્જાઈ.તમામ મુસાફરોને આ બાબતની જાણ કરવામાં આવી.ધરતીથી હજારો મીટર ઊંચે વિમાન હાલકડોલક થવા લાગ્યું,બધા મુસાફરો ભયની ચીસો પાડવા લાગ્યા કે હવે શું થશે? વિનાશનો વિચાર તમામ મુસાફરોને પણ ધૃજાવતો હતો.પેલા સંતની નજર એક નાનકડી છોકરી પર પડી તો તેમને જોયું કે આ છોકરી ખુબ જ શાંતિથી વાર્તાની ચોપડી વાંચી રહી હતી.સંતને નવાઇ લાગી કે આ છોકરીને મરવાની બીક કેમ નહીં લાગતી હોય? શું આ છોકરીએ જાહેરાત નહીં સાંભળી હોય? તેને ખબર નહી હોય કે આપણે કેવી મહામુસીબતમાં આવી ગયા છીએ.
સંત આ વિચારતા હતા ત્યાં જ બધાના આશ્ચર્ય વચ્ચે વિમાન સ્થિર થઈ ગયું અને ફરીથી જાહેરાત કરવામાં આવી કે આપણા બાહોશ પાઇલોટે ટેકનિકલ ક્ષતિ દૂર કરી દીધી છે હવે આપણે સંપૂર્ણ સલામત છીએ.બધાએ રાહતનો શ્વાસ લીધો.પેલા સંત ઊભા થઈને નાનકડી છોકરી પાસે ગયા ત્યારે છોકરી તો હજુ પણ પોતાની વાર્તાની ચોપડી વાંચવામાં જ ગુલતાન હતી, સંતે એ છોકરીના માથા પર હાથ મૂક્યો એટલે એણે ઊંચે જોયું અને સંતને વંદન કર્યા.
સંતે પૂછ્યું કે બેટા આ વિમાનમાં હમણાં શું થયું એ તને કંઈ ખબર છે? ત્યારે છોકરીએ કહ્યું કે હા મહારાજ મેં બધું જ સાંભળ્યું હતું અને હું સમજતી પણ હતી.સંતે આશ્ચર્ય સાથે પૂછ્યું કે તો તને ડર ના લાગ્યો? તું આટલી શાંતિથી કઈ રીતે વાંચી શકતી હતી? ત્યારે પેલી છોકરીએ હસતા હસતા કહ્યું કે મહારાજ..આ વિમાનના પાઇલોટ મારા પપ્પા છે.મારા પપ્પા પોતે વિમાન ચલાવતા હોય તો મને શું ચિંતા હોય? કોઈ બાપ પોતાની દીકરીને મરવા દે ખરો?
આપણા મનુષ્ય જીવનરૂપી વિમાનના પાઇલોટ(સારથી) પરમપિતા પરમેશ્વર છે.આપણા આ જીવન રૂપી વિમાનમાં કોઈ ક્ષતિ સર્જાય છે ત્યારે પેલી નાની બાળકી જેવો પૂર્ણ વિશ્વાસ આપણને પરમપિતા પરમાત્મા પર હોવો જોઇએ.વિશ્વાસ જીવન છે અને શંકા મોત છે.જીવનમાં ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં વિચલિત ના થવું એ વિશ્વાસુ ભક્તની નિશાની છે.વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે.વિશ્વાસનો અભાવ જ જીવનું અવસાન છે.
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે પૂત્ર-પત્નીની આશા ના રાખો,ના કોઇ કર્મ કમાણી પર,રમતા રામનો રાખો ભરોસો,આ જગનો ના જરા વિશ્વાસ..જીવનમાં જે વાતો સાંભળીએ તેને જોઇએ, વિચારીએ તથા સમજીને અને જ્યારે માની લઇએ ત્યાર પછી પૂર્ણ વિશ્વાસ આવવાથી જ સુખ-શાંતિ તથા દ્રઢતા આવે છે.તમામની ઉ૫ર વિશ્વાસના કરવો અને તમામ ઉપર શંકા ૫ણ ના કરવી.બધાનો વિશ્વાસ રાખજો પણ પોતાના મનનો વિશ્વાસ ના રાખશો,કયા સમયે ફરી જાય,ફેરવી નાખે,કેટલાકને મન એ રમાડ્યા છે તો કેટલાક મનને રમાડે છે.રામાયણ કહે છે કે એક પ્રભુ પરમાત્માને જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ


