શ્રી ભગવાન કહે છે કે જનસ્થાનમાં એક જડ નામનો બ્રાહ્મણ હતો જે કૌશિક વંશમાં ઉત્પન્ન થયો હોવા છતાં તેને પોતાનો બ્રાહ્મણનો જાતીય ધર્મ છોડીને વ્યાપારીક વૃત્તિમાં પોતાનું મન લગાવ્યું,પારકી સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરવાનું તેને વ્યસન થઇ ગયું હતું,તે રોજ જુગાર રમતો અને શરાબ પીતો અને જંગલમાં શિકાર કરીને જીવોની હિંસા કરતો હતો.સમય પસાર થતાં તેનું ધન નષ્ટ થતાં તે વ્યાપાર માટે ઉત્તર દિશામાં ઘણી જ દૂર ગયો અને ત્યાંથી ધન કમાવીને પોતાના ઘેર પરત ફરી રહ્યો હતો તે સમયે એક દિવસ સૂર્યાસ્ત થયો,દશે દિશામાં ઘોર અંધકાર ફેલાયો હતો તે જ સમયે તે એક ઝાડ નીચે આરામ કરવા રોકાયો હતો ત્યાં જ કેટલાક લૂંટારાઓએ તેનું તમામ ધન લૂંટી લીધું અને તેની હત્યા કરી નાખી. તેના જીવનમાં ધર્મનું આચરણ ન હોવાથી મૃત્યુ બાદ તે એક ભયાનક પ્રેત બને છે.
આ બ્રાહ્મણનો પૂત્ર ઘણો જ ધર્માત્મા,વેદોનો વિદ્વાન અને બુદ્ધિમાન હતો.ઘણા દિવસો વિતી ગયા છતાં પોતાના પિતા ઘેર પરત ન આવતાં તે પિતાની શોધ કરવા નીકળે છે અને રસ્તામાં મળતા તમામ રાહગીરોને પોતાના પિતાના વિશે પુછપરછ કરે છે.આમ ફરતાં ફરતાં એક દિવસ તેને એક વ્યક્તિ મળે છે જે તેના પિતાને ઓળખતો હતો જે તેના પિતાના મૃત્યુના સમાચાર આપે છે અને શોક વ્યક્ત કરે છે.
ઘણો જ વિચાર કરીને પોતાના પિતાના પારલૌકિક કર્મ કરવાની ઇચ્છાથી આવશ્યક સામગ્રી સાથે લઇને કાશી તરફ રવાના થાય છે.રસ્તામાં સાત-આઠ જગ્યાએ મુકામ કરીને નવમા દિવસે તે એ વૃક્ષ નીચે આવી પહોંચે છે કે જ્યાં તેના પિતાની હત્યા કરવામાં આવી હતી.આ સ્થાન ઉપર તે સંન્ધ્યા-વંદન કરી ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરે છે.તે સમયે આકાશમાં ઘણી જ ભયાનક અવાજ સંભળાય છે અને પોતાના પિતાને ભયંકર આકારમાં જુવે છે અને તરત જ પોતાની સામે આકાશમાં તેને એક તેજથી વ્યાપ્ત સુંદર વિમાન દેખાય છે.આ જોઇને તેના ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે.તેને પોતાના પિતાને દિવ્યરૂપ ધારણ કરીને વિમાનમાં બેઠેલા જોયા.તેમના શરીર ઉપર પિતાંમ્બર શોભી રહ્યું હતું અને મુનિજનો તેમની સ્તુતિ કરતા હતા,તેમને જોઇને પૂત્રએ પ્રણામ કર્યા તો પિતાએ તેને આર્શિવાદ આપ્યા.
ત્યારબાદ તે પોતાના પિતાને તેમની સાથે બનેલ તમામ હકીકત વિશે પુછે છે ત્યારે તેના પિતા પુછે છે કે બેટા..દૈવવશ મારી નજીક બેસીને તમે શ્રીમદ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો જેના ફળસ્વરૂપે મારા શરીર દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મોના બંધનથી મને છુટકારો મળ્યો છે.હવે તમે ઘેર જાઓ.તમે જે પ્રયોજનથી કાશી જઇ રહ્યા હતા તે તમારા દ્વારા ગીતાના ત્રીજા અધ્યાયના પાઠથી પૂર્ણ થયેલ છે.ત્યારે પૂત્ર કહે છે કે પિતાજી..મારા હિતનો કંઇક ઉપદેશ મને આપો તથા મારે જે કંઇ કર્મ કરવાનું હોય તે મને કહો.ત્યારે તેના પિતા કહે છે કે હે પાપરહિત પૂત્ર..તમારે આ કાર્ય ફરીથી કરવું પડશે.મેં જે દુષ્કર્મો કર્યા હતા તેવા જ પાપકર્મ મારા ભાઇએ પણ કર્યા હતા,તેના ફળસ્વરૂપે તે પણ નરકની યાતના ભોગવી રહ્યા છે,તેમનો પણ તમારે ઉદ્ધાર કરવાનો છે તથા આપણા કૂળના જેટલા પણ લોકો નરકમાં ગયા છે તે તમામનો ઉદ્ધાર તમારે કરવાનો છે-આ જ મારો મનોરથ છે.બેટા જે સાધનથી તમે મારો ઉદ્ધાર કર્યો છે તેવું જ અનુષ્ઠાન કરીને અન્ય પિતૃઓના માટે કરીને તમામનો તમારે ઉદ્ધાર કરવાનો છે.
પિતાનો આવો સંદેશ સાંભળીને પૂત્ર કહે છે કે પિતાજી આપની આજ્ઞાનુસાર આપણા તમામ પિતૃઓનો ઉદ્ધાર થાય તેવું કાર્ય હું કરીશ.આમ પોતાના પૂત્રને આર્શિવાદ આપીને પિતા ભગવાન વિષ્ણુના પરમ ધામમાં જાય છે.ત્યારબાદ પૂત્ર પોતાના જનસ્થાનમાં પાછો આવે છે અને પરમ સુંદર ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં બેસીને શ્રીમદ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરી તમામ નારકીય જીવોના ઉદ્ધાર કરવાની ઇચ્છાથી ગીતાના પાઠનું તમામ પુણ્ય સંકલ્પ કરીને અર્પણ કરે છે.
આ સમયે ભગવાન વિષ્ણુના દૂત નરકમાં યાતના ભોગવતા જીવોને છોડાવવા માટે યમરાજાની પાસે આવે છે.યમરાજા તેમનું અનેક પ્રકારે આદર સત્કાર કરે છે અને કુશળતા પુછે છે ત્યારે દૂત કહે છે કે ધર્મરાજા..અમારા જીવનમાં આનંદ જ આનંદ જ છે.આમ સત્કાર કર્યા પછી પિતૃલોકના સમ્રાટ પરમ બુદ્ધિમાન યમે વિષ્ણુદૂતોને આવવાનું કારણ પુછે છે ત્યારે વિષ્ણુદૂત કહે છે કે યમરાજા..શેષશય્યા ઉપર શયન કરનાર ભગવાન વિષ્ણુએ અમોને તમારા માટે એક સંદેશ લઇને મોકલ્યા છે.ભગવાને આપની કુશળતા પુછી છે અને એ આજ્ઞા આપી છે કે આપ નરકમાં પડેલા તમામ પ્રાણીઓને છોડી દો.અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુનો આદેશ સાંભળીને યમરાજા મસ્તક નમાવી મનોમન કંઇક વિચાર કરીને તમામ નારકીય જીવોને નરકમાંથી મુક્ત કરીને શ્રેષ્ઠ વિમાન દ્વારા ભગવાનનું જે સ્થાન છે તે ક્ષીરસાગરમાં જઇ ભગવાનનાં દર્શન કરતાં હ્રદય પ્રસન્નતાથી ભરાઇ જાય છે અને ભગવાનની સ્તુતિ કરે છે અને કહે છે કે હે જગદગુરૂ..આપના આદેશથી આ તમામ જીવો ગુણરહિત હોવાછતાં મેં છોડી દીધા છે હવે આપ મારા યોગ્ય કોઇ કાર્ય હોય તે બતાવો.ત્યારે ભગવાન મધુસૂદન મેઘ સમાન ગંભીર વાણીથી કહે છે કે ધર્મરાજ..આપ તમામના પ્રત્યે સમાનભાવ રાખીને લોકોને તેમના પાપોથી ઉદ્ધાર કરો છો,તમારી ઉપર દેહધારીઓનો ભાર રાખીને હું નિશ્ચિંત છું એટલે આપ આપનું કાર્ય કરો અને પોતાના લોકમાં જાઓ.આમ કહીને ભગવાન અંતર્ધાન થઇ જાય છે.બીજી બાજું એ બ્રાહ્મણ પોતાની જાતિના તથા સમસ્ત નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરી પોતે પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા વિષ્ણુધામમાં જાય છે.
ગીતાના ત્રીજા અધ્યાયનો સાર એ છે કે નિષ્કામભાવપૂર્વક ફક્ત બીજાના હિતના માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી જ કલ્યાણ થાય છે.


