સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરી ન શકતાં લોકો પૂણ્ય પ્રાપ્તિ માટે લગભગ ૨૧ કિમીની ઉત્તરવાહિની પરિક્રમા કરે છે. વર્ષ દરમિયાન ચૈત્ર માસમાં જ આ ઉત્તરવાહિની પરિક્રમા થતી હોય છે. રાજપીપળા નજીકનાં રામપુરા ગામથી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ થાય છે. હિંદુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને મોક્ષની દિશા માનવામાં આવે છે. આ વિસ્તારમાં માં નર્મદા ઉત્તર તરફ વહેતી હોવાથી ઉત્તરવાહિની પરિક્રમા મોક્ષ પ્રદાન કરનારી છે એવી માન્યતા પ્રચલિત છે. માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરી શકાતી આ પરિક્રમાનો માર્ગ ‘નર્મદે હર’નાં નાદથી ગુંજી ઉઠે છે. યાત્રામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલાં શ્રધ્ધાળુઓનાં ચહેરાઓ ઉપર માં નર્મદાનાં પવિત્ર અને શીતળ જળનાં સ્પર્શનો સ્પષ્ટ વાંચી શકાતો આંતરિક અહેસાસ રામપુરા ગામે કેમેરાની આંખે કેદ થયો હતો.
(તસવીર : વિજય પટેલ, ઓલપાડ)