Gujarat

સમસ્યાનું સમાધાન

જો આપ ઇચ્છતા હો કે મારા પતિ મારા વશમાં રહે તો એકવાર આ પ્રેરક પ્રસંગ અવશ્ય વાંચજો. સુમિત નામનો એક વ્યક્તિ પોતાના પરીવાર,સબંધીઓ,મિત્રો,ફળિયાના લોકો અને પોતાની ફેકટરીના સાથી મિત્રોથી અતિશય દુઃખી થઇને તેના સમાધાન માટે પોતાના ગુરૂ પાસે જાય છે અને પોતાની પીડા ગુરૂદેવને બતાવતાં કહે છે કે મારા સાથી કર્મચારીઓ,મારી પત્ની,મારા બાળકો અને મારી આસપાસ રહેતા તમામ લોકો ઘણા જ સ્વાર્થી છે તો હું શું કરૂં ?

સુમિતની આવી વેદના સાંભળીને ગુરૂદેવ તેની સમસ્યાને સમજી ગયા.હસતાં હસતાં ગુરૂદેવ કહે છે કે બેટા ! ખરેખર તારી સમસ્યા અતિ ગંભીર છે.યોગ્ય સમયે તેના સમાધાનની આવશ્યકતા છે.તમે આજની રાત્રિ મારા આશ્રમમાં રહો.રાત્રિના સમયે હું આ વિશે ચિંતન કરીને સવારે તારી સમસ્યાનું સમાધાન બતાવીશ.સુમિતને પોતાના ગુરૂ ઉપર અતૂટ વિશ્વાસ હતો.તેને પોતાના ગુરૂની આશ્રમમાં રાત્રિ-વિશ્રામની વાત સ્વીકારી આશ્રમના અન્ય નિવાસિઓ પાસે પહોંચી જાય છે.સવારની પ્રાતઃ પૂજા-અર્ચના પછી પોતાના અન્ય શિષ્યોની સમસ્યાઓનું નિરાકરણ કરીને છેલ્લે ગુરૂજી સુમિતને પોતાની પાસે બોલાવે છે.

એક રાત્રિ ગુરૂજીના આશ્રમમાં રહ્યો તેનો અનુભવ કહેતાં સુમિત કહે છે કે ગુરૂદેવ ! આપના આશ્રમમાં પણ બધા સ્વાર્થી લોકો જ ભેગા થયા છે.આપની પાસેથી કંઇકને કંઇક લેવા માટે જ બધા અહી રોકાયા છે.ગુરૂદેવે સુમિતની દરેક વાતને ગંભીરતાથી સાંભળી અને છેલ્લે કહ્યું કે હું તને એક વાર્તા કહું છું તેને ગંભીરતાથી સાંભળો.આ વાર્તામાં જ તારી તમામ સમસ્યાઓનું સમાધાન છે.

એક ગામમાં એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો હતો જેમાં એક હજાર દર્પણ લગાવવામાં આવ્યા હતા.એક નાનકડી દિકરી આ રૂમમાં આવીને રમવા લાગી.તેને જોયું કે એક સાથે એક હજાર બાળકો તેની સાથે રમી રહ્યાં છે અને તે પ્રતિબિંબ જોઇને ખુશ થાય છે.તે જેવી તાળી પાળે છે તમામ બાળકો પણ તાળી પાળે છે.દિકરી વિચારે છે કે આ દુનિયાની સૌથી સારી જગ્યા છે અને તે વારંવાર અહી રમવા માટે આવે છે.

બાળકીના ગયા પછી અહી એક ઉદાસ વ્યક્તિ આવે છે.તેને દુઃખથી ભરેલા ચહેરાવાળા હજાર ચહેરા જોઇને તે વધુ દુઃખી થાય છે.તે પોતાના હાથથી ધક્કો મારીને તેમને હટાવવા જાય છે તો એકસાથે હજારો હાથ તેને સામે ધક્કો મારે છે.તે વિચારે છે કે આ દુનિયાની સૌથી ખરાબ જગ્યા છે અહીયાં હવે હું ક્યારેય નહી આવું આમ કહીને આ જગ્યા છોડીને તે ચાલ્યો જાય છે.

આ વાર્તા ઉપરથી આપણે એ બોધપાઠ લેવાનો છે કે આ દુનિયા એક હજાર અરીસા લગાવેલો રૂમ છે.અમારામાં મનમાં જે કંઇ ભરેલું હોય છે પ્રકૃતિ તે જ અમોને પાછું આપે છે.અમારા મનને અનુરૂપ જ સંસાર દેખાય છે એટલે અમારા મન અને દિલને સાફ રાખવાની જરૂર છે તો જ અમોને આ દુનિયા સ્વર્ગ જેવી લાગશે..સંસારને સુધારવા નીકળેલાઓએ સર્વપ્રથમ પોતે સુધરવાની આવશ્યકતા છે તો સંસાર આપોઆપ સુધરી જશે.

બીજાઓને સુધારતા પહેલાં પોતે પોતાને સુધારવો પડે છે.રમકડાં કે ઓજારને બનાવતાં પહેલાં તેના માટે યોગ્ય બીબું કે જે ધાતુ કે લાકડાનું બનાવવામાં આવે છે તે યોગ્ય રીતે બનાવવામાં આવે છે.જો આ બીબું ખામીવાળું હોય તો રમકડાં કે ઓજાર પણ યોગ્ય આકાર કે ડીઝાઇનનાં બનતાં નથી.આપણા પરીવારમાં સુધારો કરવા માટે સારા સંસ્કાર આપવા માટે પ્રથમ એ જરૂરી છે કે પરીવારને જેવું બનાવવા ઇચ્છો છો તેને અનુરૂપ પહેલાં પોતાને બનાવવાની જરૂર છે.નમૂનાનું ર્માડલ જેવું હોય છે તે અનુસાર પ્રતિમા બને છે.આ પ્રયાસમાં છળ કપટ કે ઢોંગ ચાલતો નથી.વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી. દુષ્પ્રવૃતિના સબંધમાં આ વાત સો ટકા લાગુ પડે છે,તેની ઉપર પડદો પાડી શકાતો નથી.જો અમારા જીવનમાં અંદર કંઇક અને બહાર કંઇક જુદું આવું જીવન હશે તો જે અજાણ્યા છે,અપરિચિતો છે તેઓને તો ખબર પડશે નહી પરંતુ જેઓની સાથે આપણે ચોવીસ કલાક સાથે રહીએ છીએ તેઓ ભલે આપણા સદગુણોની તરફ ધ્યાન ના આપે પરંતુ આપણામાં રહેલા દુર્ગુણોની ગંધ તેઓને સહજમાં જ આવી જશે. આપણે તેમની આગળ આપણા દુર્ગુણોને છુપાવી શકતા નથી.

કોઇના મનમાં શું છે? કોન શું વિચારે છે? શું માને છે? તેની ખબર આપણને બધાને પડતી નથી.જે કંઇ જાણવામાં આવે છે તેમાં પ્રત્યક્ષ ક્રિયા-કલાપ જ મુખ્ય હોય છે તેનાથી સામાન્ય રીતે આપણે બીજાનું મૂલ્યાંકન કરીએ છીએ એટલે ફક્ત ચિંતનથી જ નહી પરંતુ ચરીત્રને જ મહત્વ આપવામાં આવે છે.કોન શું વિચારે છે? શું ઇચ્છે છે? તેની મોટી જાણકારી તેમની વાણીથી નહી પરંતુ ક્રિયા-કલાપોથી લાગે છે. પરીવારને કંઇ દિશામાં લઇ જવો છે તેના માટે પરામર્શ એ જ માત્ર પુરતું નથી.તેમની સામે એવું પ્રત્યક્ષ પ્રમાણ રહેવું જોઇએ જે સજ્જનતાને વ્યાવહારીક સિદ્ધ કરી શકીએ છીએ અને આ પ્રમાણ બીજે ક્યાંય બહાર શોધવાથી મળતું નથી,તેને પોતે પોતાના સુસંસ્કારીત બનાવીને તેમની ઉપર પ્રભાવ પાડી શકાય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *