બોટાદ
સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં સુરતની પ્રખ્યાત ૧૫૧ કિલો ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શનિવાર નિમિત્તે મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના અન્નકૂટના દર્શન કર્યા હતા. શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. ત્યારે ૭ જાન્યુઆરી ૨૦૨૩ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી ૧૫૧ કિલો ઘારીનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. જેમાં સવારે મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા સમગ્ર અન્નકૂટનું આયોજન પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કરવામાં આવ્યું અને હજારો ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
