સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી જલારામ સત્સંગ મંડળ અને રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા જલારામ મંદિરના મહંત પ. પૂ રમુદાદાની રક્તતુલા નિમિત્તે સાવરકુંડલા માનવસેવાના સાધક શ્રી વલ્લભદાસ બાપુએ ૪૪ મી વખત રક્તદાન કરીને માનવતાની મહેંક ફેલાવી. આ અગાઉ પણ તેમણે અનેક વખત જરૂરિયાતમંદ લોકોના જીવન રક્તદાન દ્વારા બચાવવાનો પ્રયાસ કરેલ છે. આમ ગણીએ તો આ રક્તની કિંમત તો ખરે ટાણે સમજાય જ્યારે વિપુલ પ્રમાણમાં રકત્ વહેવાથી માનવજિંદગી મોતના ઓથાર હેઠળ જીવી રહી હોય આવા જીવન મૃત્યુના જંગમાં ઝોંકા ખાતા ખરે ટાણે ઘણીવખત રક્તદાતાનું રક્ત જ જીવનદાયીની બની જતું હોય છે. આમ ગણીએ તો મેડિકલ વિજ્ઞાનમાં સમયસરની સારવાર પણ માણસની જિંદગી બચાવી લેતું હોય છે. એટલે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પણ કોઈ પણ દર્દીની રાત દિવસ કે ચોઘડિયા જોયા વગર દર્દની ગંભીરતા સમજી પોતાનાથી થતી તમામ તબીબી તપાસ સારવાર કરવા માટે હરહંમેશ તૈયાર રહેવું જોઈએ એવું નીતિશાસ્ત્ર કહે છે..શ્રી વલ્લભદાસબાપુ આમ ગણો તો લોકોને કેમ વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય એ ભાવના સાથે એક સાચા શ્રમિકની માફક જીવન વ્યતીત કરે છે.. અને આ સંદર્ભે પેલી હિન્દી ગીતની લાઈન કિસીકી મુસકરાહટોંપેં હો નિસાર કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર જીના ઈસિકા નામ હે. એ તર્જ પર બીજાને કેમ મહત્તમ ઉપયોગી થવું એ પ્રકારની જીવનશૈલી પર જીવન વ્યતીત કરે છે સાવરકુંડલા લોહાણા મહાજન વાડી ખાતે રમુદાદાની રકતતુલા નિમિત્તે યોજાયેલા રક્તદાન શિબિરમાં વર્તમાન ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ડો.વડેરા, લોહાણા સમાજના અગ્રણીઓ જગદીશભાઈ માધવાણી, વિજયકુમાર વસાણી, કિર્તીમાઈ રુપારેલ, કાનાભાઇ મશરૂ, હિતેષભાઈ સરૈયા, પરેશભાઈ કોટક નરેન્દ્રભાઈ વણજારા, રાજુભાઈ નાગ્રેચા વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ નોંધનીય હતી. આમ પણ રક્તદાન એ જીવનદાન જ ગણાય. વળી રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી એટલે માનવનું રક્ત જ માનવને કામ આવે છે. આ અગાઉ પણ શ્રી વલ્લભદાસબાપુએ સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામી નિર્દોષાનંદજી આશ્રમે શિવ પ્રાર્થના, લિંગ પૂજન અને રક્તદાન કેમ્પમાં પણ ભાગ લીધો હતો. હજુ પણ એમની ઈચ્છા વધુમાં વધુ રક્તદાન કરવાની છે. અને તેમના જીવન પરથી પણ લોકો પ્રેરણા લે કે રક્તદાન એ મહાદાન છે અને શક્ય હોય તો દરેકે રક્તદાન કરવું જોઈએ એવો પ્રેરક સંદેશ પણ આપ્યો હતો.


