Gujarat

સુરતમાં વાડીફળિયામાં વ્યાજખોરે ૨ લાખના ૧૦ લાખ ખંખેર્યા

સુરત
શહેરના વાડીફળિયામાં રહેતા યુવકની માતાની બિમારીને કારણે હોસ્પિટલમાં એડમિટ હોવાથી તેના ખર્ચ માટે ૨ લાખની રકમ ૧૦ ટકા વ્યાજે લેવાની ફરજ પડી હતી. યુવકે વ્યાજખોરોને ૨ લાખની રકમની સામે ટુકડે ટુકડે કરી ૧૦ લાખની રકમ આપી દીધી છતાં હજુ ૩.૮૦ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેના કારણે યુવકે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વ્યાજખોર વિરલ ઉર્ફે ટકી, તેના પિતા અને ભાઈ લાલુ ઉર્ફે કદમ (ત્રણેય રહે, ભક્તિધામ સોસા,ભાઠેના) સામે ખંડણી, ધમકી અને નાણા ધીરનારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વાડીફળિયા નવાપુરામાં સાંઇ સમર્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને સરદાર માર્કેટમાં શાકભાજીની મજૂરીકામ કરતા ૪૨ વર્ષીય શૈલેષ રાણાએ વર્ષ ૨૦૧૮માં માતા હોસ્પિટલમાં દાખલ હોવાથી તેના ઈલાજ માટે વ્યાજખોર વિરલ ઉર્ફે ટકી પાસેથી માસિક ૧૦ ટકા લેખે ૨ લાખની રકમ વ્યાજે લીધી હતી. યુવક દર મહિને વ્યાજની ચુકવણી કરતો હતો. કોઈકવાર વ્યાજ આપવામાં મોડુ થતું ત્યારે વ્યાજખોર ૧ દિવસના લેખે ૧ હજાર પેનલ્ટી સાથે વ્યાજ લેતો હતો. વ્યાજ આપવામાં મોડું થાય એટલે તેનો ભાઈ અને પિતા ઘરે પઠાણી ઉઘરાણી કરવા આવતા હતા. બન્ને બાપ-દીકરા ઘરના સભ્યોને ધમકી આપતા હતા. ત્રણેય બાપ-દિકરાને અત્યાર સુધીમાં યુવકે ૧૦ લાખની રકમ ટુકડે ટુકડે કરીને આપી દીધી છતાં હજુ ૩.૮૦ લાખની રકમની પઠાણી ઉઘરાણી કરવા યુવકની ઓફિસે અને ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કરતા હતા.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *