Gujarat

અંતકાળે ભગવાનનું સ્મરણ થાય તે માટે શું કરવું જોઇએ?

જ્યારે અંતકાળના સ્મરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્યે શું કરવું જોઇએ? તેનો જવાબ આપતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૮/૭)માં કહે છે કે તું નિરંતર મારૂં સ્મરણ કર અને યુદ્ધ (કર્તવ્ય કર્મો) પણ કર.આ પ્રમાણે મારામાં અર્પેલા મન-બુદ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ.

મરણ વખતે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરે છે તે તેવા ભાવને પ્રાપ્ત કરે છે.મુમુર્ષુનું મન ઈશ્વરમાં લાગે એટલાં માટે આપણે ત્યાં તેની સામે ઘીનો દીવો કરાય છે,મુખમાં ગંગાજળ મુકાય છે, તુલસીનું પાન મુકાય છે,પ્રભુનામ સંભળાવાય છે,ઇષ્ટદેવનું ચિત્ર આગળ મુકાય છે આ બધા ઉદ્દીપક તત્વો છે.ગમે તે રીતે મુમુર્ષુનું મન ઈશ્વરમાં લાગે છે એ જ હેતુ હોય છે.ભેગા થયેલા માણસોને જોઈને તેને સંતોષ થાય છે એટલે તો હજાર કામ પડતાં મૂકીને લોકો મરણપથારીએ પડેલાં માતા-પિતા,પતિ-પત્ની વગેરે પાસે પહોંચી જાય છે,તેને આશ્વાસન આપે છે,પુણ્યદાન કરાવે છે આ પણ જીવનની ધન્યતા જ કહેવાય.

એક બીજો પ્રશ્ન થાય કે મૃત્યુ પછીની ગતિ કર્મો કે ચિંતનને આધીન છે? આપણે તો કર્મવાદી છીએ તેથી કર્મોને આધીન જ ગતિ મનાય તો પછી ચિતનનું શું મહત્વ? તેનો જવાબ એ છે કે કર્મો પ્રમાણે જ ચિંતન થાય છે,કર્મો ચિંતનના પ્રેરક છે.આખું જીવન જે કર્યું હશે તે જ મરણ સમયે સામે આવશે તેથી ભક્તો અહર્નિશ પ્રભુ સુમિરણ કરે છે આને અભ્યાસ કહેવાય છે.લાંબા ગાળાનો અભ્યાસ પછી આપો આપ હરિસ્મરણ થયા કરે છે.આવો ભક્ત આપોઆપ હરિસ્મરણ કરતો કરતો પરમાત્માના ધામને પ્રાપ્ત કરે છે.

મનુષ્યને કર્તવ્યરૂપે જે કર્મ પ્રાપ્ત થઇ જાય તેને ભગવાનનું સ્મરણ કરતા રહીને કરવાં જોઇએ. ભગવાનના સ્મરણની જાગૃતિના માટે ભગવાનની સાથે પ્રેમ હોવો જોઇએ.પ્રેમ જેટલો દ્રઢ હશે એટલી ભગવાનની સ્મૃતિ વારંવાર આવશે.મારામાં મન બુદ્ધિ અર્પણ કરવાં એટલે મનથી ભગવાનનું ચિંતન થાય અને બુદ્ધિથી પરમાત્માનો નિશ્ચય કરવામાં આવે.મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર વગેરેને ભગવાનનાં જ માનવાં, ક્યારેય ભૂલથી પણ તેમને પોતાનાં ના માનવાં કારણ કે જેટલા પ્રાકૃત પદાર્થો છે તે તમામ ભગવાનના જ છે..વાસ્તવમાં મનુષ્યનો સબંધ ફક્ત પ્રભુની સાથે જ છે.પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યો સાથે મનુષ્યનો સબંધ હતો નહી,નહી,છે નહી અને રહેશે પણ નહી કારણ કે મનુષ્ય સાક્ષાત પરમાત્માનો સનાતન અંશ છે.

સ્મરણ ત્રણ જાતનું હોય છે.બોધજન્ય,સબંધજન્ય અને ક્રિયાજન્ય.બોધજન્ય સ્મરણનો ક્યારેય અભાવ થતો નથી કેમકે આ સ્મરણ પોતાના નિત્ય સ્વરૂપનું છે.પોતાનું જે હોવાપણું છે તેને યાદ કરવું પડતું નથી પરંતુ શરીરની સાથે જે એકતા માની લીધી છે તે ભૂલ છે.બોધથતાં તે ભૂલ દૂર થાય છે,પછી પોતાનું હોવાપણું સ્વતઃ સિદ્ધ રહે છે.

જેને આપણે પોતે માની લઇએ છીએ તે સબંધજન્ય સ્મરણ છે.જ્યાં સુધી સબંધને ના છોડીએ ત્યાં સુધી સબંધજન્ય સ્મરણ ચાલુ રહે છે જેમકે શરીર આપણું છે,સંસાર આપણો છે વગેરે..આ માનેલો સબંધ જ્યાં સુધી આપણે આ આપણું નથી એવું માની લેતા નથી ત્યાં સુધી દૂર થતો નથી પરંતુ ભગવાન વાસ્તવમાં આપણા છે,આપણે તેમના અંશ છીએ.જ્યારે આપણે શરીર અને સંસારના સબંધના અત્યંત અભાવનો સ્વીકાર કરી લઇએ છીએ ત્યારે ભગવાનનો નિત્યસબંધ આપમેળે જાગ્રત થઇ જાય છે પછી ભગવાનનું સ્મરણ નિત્ય નિરંતર ચાલુ રહે છે.

ક્રિયાજન્ય સ્મરણ અભ્યાસજન્ય હોય છે.જેવી રીતે સ્ત્રીઓ માથા ઉપર પાણીનો ઘડો રાખીને ચાલે છે તો પોતાના બંન્ને હાથોને છુટા રાખે છે અને બીજી સ્ત્રીઓની સાથે વાતો પણ કરે છે પરંતુ માથા ઉપર રાખેલા ઘડાની સાવધાની નિરંતર રહે છે.નટ દોરડા ઉપર ચાલે છે,ગાય છે,બોલે છે પરંતુ દોરડાનું ધ્યાન નિરંતર રહે છે.ડ્રાઇવર ગાડી ચલાવે છે,હાથથી ગિયર બદલે છે અને માલિક સાથે વાતચીત પણ કરે છે પરંતુ રસ્તાનું ધ્યાન નિરંતર રહે છે તેમ તમામ ક્રિયાઓમાં ભગવાનને નિરંતર યાદ રાખવા એ અભ્યાસજન્ય સ્મરણ છે.આ અભ્યાસજન્ય સ્મરણ ત્રણ પ્રકારના હોય છે.સંસારનું કાર્ય કરતા રહીને ભગવાનને યાદ રાખવા, ભગવાનને યાદ કરતા રહીને સંસારના કાર્યો કરવા અને કાર્યને ભગવાનનું જ સમજવું.

અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત અને અન્યનું ચિંતન ન કરવાવાળા ચિત્તથી પરમ દિવ્ય પુરૂષનું નિરંતર ચિંતન કરતો રહીને શરીર છોડનાર મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થઇ જાય છે.(છે.(ગીતાઃ૮/૮) સંસારથી મન હટાવીને પરમાત્મામાં વારંવાર મન જોડવાનું નામ અભ્યાસ છે અને સમતાનું નામ યોગ છે. ચિત્ત અન્યગામી ના હોય એટલે કે પરમાત્મા સિવાય બીજું કોઇ લક્ષ્ય ના હોય એવા ચિત્તથી પરમ દિવ્ય પુરૂષનુ એટલે કે સગુણ નિરાકાર પરમાત્માનું ચિંતન કરતો રહીને શરીર છોડવાવાળો મનુષ્ય એ જ પરમાત્માને પ્રાપ્ત થઇ જાય છે.

વેદને જાણનાર વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે છે,વિતરાગ યતિ જેને પ્રાપ્ત કરે છે તથા સાધક જેની પ્રાપ્તિની ઇચ્છા કરતા રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પદનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે બધી ઇન્દ્રિયોના તમામ દ્વારોને રોકીને મનને હ્રદય પ્રદેશમાં સ્થિર કરીને પોતાના પ્રાણોને મસ્તકમાં સ્થાપીને યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે સાધક ૐ એ એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારૂં ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ મનુષ્ય પરમગતિને પામે છે.(ગીતાઃ૮/૧૧-૧૩)

આમ જે નિર્ગુણ નિરાકાર પરમાત્માનું સ્મરણ કરતા રહીને જે દેહનો ત્યાગ કરે છે તે પરમગતિને એટલે કે નિર્ગુણ નિરાકાર પરમાત્માને પ્રાપ્ત થાય છે.

પ્રભુ ૫રમાત્મા જ સત્ય છે.અંતમાં અમારે તેમાં જ સમાવવાનું છે તેમનામાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઇ છે અને તેમાં જ અંતમાં સમાઇ જાય છે.અમોને અમારા મૂળની વિસ્મૃત્તિ ના થઇ જાય એટલા માટે હરિ સ્મરણ આવશ્યક છે.સત્ય એક,નિત્ય અને અનંત છે તથા તમામનું આધાર સ્વરૂ૫ છે.જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું જોઇએ કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ એટલે તે સમયે પ્રભુ પરમાત્માનું સ્મરણ કરવું જોઇએ.

સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે.(૧) દિખાઉઃદેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને (ર) બિકાઉઃધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી.(૩) ટિકાઉઃ ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે.આ જ સર્વશ્રેષ્ઠ સુમિરણ કહેવામાં આવે છે.સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી. સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે. પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે.અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે જેનાથી સર્વથા બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે.

મમતા થઇ એટલે સમતા રહેતી નથી અને વિષમતા આવે છે.ભગવાન કહે છે કે એક કામ કરો તો હું તમારું રક્ષણ કરીશ.રોજ એક કલાક નિયમપૂર્વક સેવા સુમિરણ સત્સંગ કરો પછી ત્રેવીસ કલાક હું તમારૂં ધ્યાન રાખીશ.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *