મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં ડિસેમ્બર અંતિત -૨૦૨૨ અનુસૂચિત જાતિ પેટા યોજના, તકેદારી સમિતિ, મેન્યુઅલ સ્કેવેંજર્સની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા અનુસૂચિત જાતિ પેટા યોજનાઓ અંગે કમિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જિલ્લામાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ જે તે વિભાગોની યોજનાના લાભથી વંચિત ન રહે તેમ જણાવ્યું હતું. અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ જોગવાઈ સામે જિલ્લામાં 1128.71 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે.
આ સાથે કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં ડિસેમ્બર – ૨૦૨૨ અંતિત ત્રિમાસિક અનુસૂચિત તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ખેડા જિલ્લામાં ત્રિમાસિક અંતર્ગત કુલ 29 બનાવો પૈકી 27 બનાવોમાં સહાય ચુકવણી કરવામાં આવેલ છે. કલેકટરશ્રીએ કમિટીના તમામ સભ્યોને અનુસૂચિત જાતિના લોકો સાથે સૌ સમાજના લોકો સૌહાર્દપૂર્વક રહે તેવા સામુહિક પ્રયત્નો કરવા સૂચના આપી હતી
આ ઉપરાંત કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં “ઘી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ -2013” અંતર્ગત ડિસેમ્બર -2022ની ત્રિમાસિક બેઠક મળી હતી. જેમાં ખેડા જિલ્લામાં મેન્યુઅલ સ્કેવેન્જર્સના કોઈ બનાવ બનેલ નથી તેમ નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી કે આગળના સમયમાં પણ કોઈ બનાવ ન બને તે અંગે નગરપાલિકાએ વધુમાં વધુ પ્રચાર -પ્રસાર કરવો જરૂરી છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પી. આર. રાણા, અધિક જિલ્લા કલેક્ટર બી.એસ.પટેલ, સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


