Gujarat

અમદાવાદના નગરજનો માટે સ્વાસ્થ્યનું નવું સરનામું ૧૦૪

અમદાવાદ
એક સમય હતો જ્યારે અમદાવાદ શહેર વાયુ પ્રદૂષણના ઊંચા પ્રમાણને કારણે ચર્ચામાં રહેતું હતું, જ્યારે આજે એક પછી એક વિકસતા જતા ઓક્સિજન પાર્કને કારણે નોંધપાત્ર બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વધુ એક ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરવાના છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ગ્રીન કવર વિસ્તારને ૧૫% સુધી લઈ જવાના લક્ષ્યાંક માટે સતત કાર્યરત છે. અમદાવાદને ક્લીન સિટી ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે વિવિધ વિસ્તારોમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવી રહ્યાં છે, જે શહેરનાં ફેફસાં સમાન છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૪ જેટલા ઓક્સિજન પાર્ક કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ઓક્સિજન પાર્ક આવેલ છે. જેમાં મધ્ય ઝોનમાં ૪, પૂર્વ ઝોનમાં ૨૭, પશ્ચિમ ઝોનમાં ૧૭, ઉત્તર ઝોનમાં ૧૩, દક્ષિણ ઝોનમાં ૭, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૪, અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૨ જેટલા ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરનું ગ્રીન કવર ૧૫% સુધી લઈ જવો એ કોર્પોરેશનનો મુખ્ય લક્ષ્યાંક છે. શહેરનું ગ્રીન કવર ૨૦૧૨માં ૪.૬૬% હતું જે વધી હાલમાં ૧૨% સુધી પહોંચ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાના ભાગરૂપે ‘મિશન મિલિયન ટ્રી’ અભિયાનનો શુભારંભ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા વર્ષોમાં બનાવવામાં આવેલ ઓક્સિજન પાર્ક પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૯-૨૦ માં ૫૦, વર્ષ ૨૦૨૦-૨૧ માં ૨૪, વર્ષ ૨૦૨૧-૨૨ માં ૨૯ અને વર્ષ ૨૦૨૨-૨૩માં અત્યાર સુધીમાં ૨ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે.
આ તમામ ઓક્સિજન પાર્કમાંથી મોટાભાગના પાર્ક મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડેન્સ પદ્ધતિથી પણ બનાવવામાં આવ્યા છે. અમુક ઓક્સિજન પાર્ક પીપીપી ધોરણે પણ નિર્માણ કરવામાં આવ્યા છે.
ઓક્સિજન પાર્કની વિશેષતા વિશે વાત કરીએ તો, સૌ પ્રથમ તો આ ઓક્સિજન પાર્કમાં તાપમાન સામાન્ય વિસ્તાર કરતાં ચારથી પાંચ ડિગ્રી ઓછું રહે છે. જેથી અહીં ખૂબ ઓછી ગરમી લાગે છે. આ ઉપરાંત ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં નયનરમ્ય તળાવ, આકર્ષક લોન તથા ચાલવા માટેનો વોકિંગ ટ્રેકનો સમાવેશ થાય છે. આ સાથે બાળકો માટે અવનવા રમતગમતના સાધનો પણ મુકાયા છે. તથા ફિટનેસ માટે અહીં એક અનોખું જીમ્નેશિયમ પણ હોય છે અને યોગ માટે એક સ્પેશિયલ યોગ પોઇન્ટ બનાવવામાં આવે છે.
આ અંગે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની ગ્રીન કવર વિસ્તારને વધારવા માટે કટિબદ્ધ છે. શહેરીજનોની સુખાકારી માટે કોર્પોરેશને વિવિધ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ઓક્સિજન પાર્ક બનાવ્યા છે. જેના લીધે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણમાં પણ ઘટાડો જાેવા મળતો થયો છે.

Page-45.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *