અમદાવાદ
આરબીએલ બેંકના એટીએમ સાથે ચેડા કરીને અન્ય બેંકોના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી તસ્કરોએ ૨.૨૫ લાખની રકમની ઉચાપત કરી છે. આરબીએલ બેંકના પરિમલ ગાર્ડન સામે આવેલી આરબીએલ બેંકના એટીએમ સેન્ટરમાં બનાવ બન્યો હતો. એલિસબ્રિજ પોલીસે બનાવ અંગે ગુરૂવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દેશભરમાં બેંકના ૧૨૮ એટીએમ સેન્ટર પર આવી ઘટના બની છે. આરબીએલ બેંકના સિનિયર મેનેજર કૃણાલ મહેશભાઈ શાહ (ઉં,૩૪)એ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ આપી છે. જે મુજબ ગત તા.૫-૧૦-૨૦૨૨ના રોજ સાંજે ૪.૨૫થી ૭.૫૮ વાગ્યાના સમય દરમિયાન તેમજ બીજા દિવસે બપોરે ૧.૩૧ વાગ્યાથી સાંજે ૫.૧૩ વાગ્યા દરમિયાન બે અજાણ્યા શખ્સોએ એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા હતા. આ આરોપીઓએ પૈસા ઉપાડવાના બહાને એટીએમ મશીન સાથે છેડછાડ કરીને જૂદી જૂદી બેંકના એટીએમ કાર્ડ દ્વારા રૂ.૨.૨૫ લાખની રકમ ઉપાડી લીધી હતી. આમ, એટીએમ મશીન સાથે ચેડા કરી આરોપીઓએ બેંક સાથે છેતરપિંડી આચરતા આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરબીએલ બેંકના એટીએમ મશીન સાથે ચેડા કરી પૈસા ઉપાડવાના કૌભાંડનો આંકડો રૂ.ત્રણ કરોડ સુધી પહોંચી ગયો છે.


