Gujarat

આંખ વિભાગમાં મહિને આશરે ૪૦૦૦ જેટલી ઓપીડી નોંધાઇ છે                                                                

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચાર જિલ્લાના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. આ દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા સિવિલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. જેમાં સિવિલના આંખ વિભાગની વાત કરીએ તો, ફેકો નામના આધુનિક મશીનથી ટાંકા વગરના આંખના મોતીયાના અને વેલ સહિતની બિમારીના સફળ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન થકી દર્દીઓને ઘણો ફાયદો થાય છે. જેમાં આંખમાં રૂઝ ઝડપથી આવે, લાલાશ અને દુઃખાવો ન થવો તથા ચશ્માના નંબર ઓછા આવે છે. આંખ વિભાગમાં નંબરની તપાસ, મોતીયાની તપાસ, વેલની તપાસ, ઝામરની તપાસ અને પડદા સહિતની તપાસ કરી સારવાર આપવામાં આવે છે. આથી મહિને આશરે ૪૦૦૦ જેટલી ઓપીડી નોંધાઇ છે.

રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ એ ૧૦૦ ટકા કેન્દ્રીય પ્રાયોજીત છે. જેનું ગુજરાતમાં અસરકારક અમલીકરણ થઇ રહ્યું છે. જેનું ઉદાહરણ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં આધુનિક મશીન દ્વારા ટાંકા વગરના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે દર્દીઓને ઘણો ફાયદો થઇ રહ્યો છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમના માર્ગદર્શન હેઠળ આંખ વિભાગના એચઓડી ડો.કિશન મકવાણાની ટીમ કામ કરી રહી છે. જેમાં ડો.દિપ્તી પટેલ, ડો.જય રાઠોડ, ડો.ભાવિક વડનાગરા, ડો.પ્રદિપ પોરિયા, ડો.ચેતના કરમટા અને ડો.દેવાંગી ડોબરિયા સહિતના ડોક્ટરોની ટીમ આંખ વિભાગમાં સારી કામગીરી કરી રહ્યા છે અને આધુનિક ફેકો નામના મશીનથી આંખના મોતીયાના અને વેલના ટાંકા વગરના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.

આ અંગે એચઓડી ડો.કિશન મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ફેકો મશીનથી ૧૦૦૦થી વધુ મોતીયાના ટાંકા વગરના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ ઓપરેશન બાદ દર્દીઓને રૂઝ ઝડપથી આવવી, લાલાશ તેમજ દુઃખાવાની ફરિયાદ ન થવી તથા ચશ્માના નંબર ઓછા આવવાના ફાયદાઓ રહે છે. સિવિલમાં મોતીયા સિવાય બીજા અનેક ઓપરેશન થાય છે જેમ કે, વેલનું ઓપરેશન જે ટાંકા વગરનું કરવામાં આવે છે. જેમાં બીજી વખત વેલ આવવાની શક્યતા રહેલી નથી. છેલ્લા એક વર્ષમાં ૩૦૦ જેટલા વેલના ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમજ ઇજાના કારણે પાંપણ ફાટી ગઇ હોય એના પણ આશરે ૧૦૦ જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે. ઓપરેશન બાદ ડાઘ થવાની શક્યતા રહેતી નથી. તેમના નાના ઓપરેશનમાં ચરબીની ગાંઠના ટાંકા વગરના ઓપરેશન પણ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિવિલના આંખ વિભાગમાં આધુનિક સુવિધાઓ અને સફળ કામગીરીને લઇને મહિને આશરે ૪૦૦૦ જેટલી ઓપીડી નોંધાઇ છે. જેમાં નંબરની તપાસ, મોતીયાની તપાસ, વેલની તપાસ, ઝામરની તપાસ, પડદાની તપાસ સહિતની તપાસ કરી સારવાર આપવામાં આવે છે.

સિરો પોઝીટીવ દર્દીઓને પણ અલગથી સારવાર અપાઇ છે

        જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં આંખ વિભાગમાં સિરો પોઝીટીવ દર્દીઓ જેવા કે, PLHA, HBs  Ag+Ve સહિતના દર્દીઓ માટે અલગથી સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આવા દર્દીઓને પણ પુરતી સારવાર આપવામાં આવી રહી છે.

ખાનગી હોસ્પિટલમાં થતી સારવાર સિવિલમાં વિના મૂલ્યે

આંખના દર્દીઓ જો આધુનિક મશીન દ્વારા મોતીયો, વેલ, ઝામરના ઓપરેશન કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં જાય તો તેમને રૂા.૧૦ થી ૫૦ હજાર સુધીનો ખર્ચે થઇ શકે છે. જ્યારે આ સારવાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થાય છે.

operation-aankh-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *