જૂનાગઢ જિલ્લા સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને અનુસંધાને ખેડૂતો અને વેપારીઓએ જરૂરી કાળજી લેવા માટે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
ભારત મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તા.૦૨/૦૩/૨૦૨૩ થી તા.૦૬/૦૩/૨૦૨૩ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. ઘાસચારો વગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો. વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા જણાવવામાં આવ્યું છે. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા. ઉપરાંત બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
