Gujarat

આણંદમાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ, ભાઠા મંડળીની તમાકુનો રૂ૩૫૧૦નો રેકોર્ડબ્રેક ભાવ

આણંદ
ચરોતરના ખેડૂતો જેની પર મીટ માંડીને બેઠા હતા તે એશિયામાં સૌપ્રથમ સામુહિક ખેતી કરતી ગંભીરા સામુદાયિક ભાઠા ખેતી મંડળીનામાં તમાકુના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવતા ખેડૂતોના ચહેરા ચમકી ઉઠ્‌યા છે. .નદીની મધ્યમાં ૫૦૦ એકર ભાઠામાં ૧૨ ગામના ૨૯૦ ખેડૂતો દ્વારા સહિયારી ખેતી કરવામાં આવે છે. અને અહીંયા રાજ્ય અને રાજ્ય બહારથી વહેપારીઓ હરાજીમાં ભાગ લેતા હોય છે. ગત વર્ષે અહીંયા હરાજીમાં તમાકુનો પ્રતિમણ રૂ.૩૪૦૦નો ભાવ પડ્યો હતો અને આ વર્ષે પણ તમાકુનો પાક સારા પ્રમાણમાં થયો હોઈ ખેડૂતોને સારા ભાવની આશાઓ બધાઈ હતી. રવિવારે ભાઠા મંડળી ખાતે હરાજીમાં ઐતિહાસિક રેકોર્ડ બ્રેક પ્રતિમણ રૂ.૩૫૧૦ બોલાયો છે. ગંભીરા સ્થિત ગંભીરા સામુદાયિક ભાઠા ખેતી મંડળીના કાર્યાલય ખાતે રવિવારે તમાકુ ની જાહેર હરાજી યોજાઈ હતી જેમાં ૧૮ જેટલા વેપારીએ ટેન્ડર ભર્યું હતું મંડળીના પ્રમુખ દિપક પટેલ અને સભાસદો તેમજ ખેડૂતોની ઉપસ્થિતિમાં જાહેરમાં જ ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જેમાં અંબિકા ટોબેકો અલીણાનું સૌથી ઊંચા ભાવ સાથેનું ટેન્ડર ખુલતા આ વર્ષે ખેડૂતોને ગત વર્ષ ની સરખામણીએ ઘણા સારા ભાવ પ્રાપ્ત થયા છે. ગત વર્ષના ભાવની જાે વાત કરી એ તો ગત વર્ષે ભાઠા મંડળીની હરાજીમાં ૧૪ ટેન્ડર આવ્યા હતા અને સરેરાશ ભાવ રૂા. ૨૫૮૧ બોલાયો હતો આ વખતે કુલ ૧૮ વેપારીઓ એ ટેન્ડર ભર્યા હતા જેમાં વધુ માં વધુ ૩૫૧૦ થી લઈ ૩૦૦૭ રૂપિયા સુધી તમાકુ ના ભાવ ઉપજતા ખેડૂતોના ચહેરા પર ચમક આવી જવા પામી છે. જાહેર હરાજીમાં સૌથી ઊંચું ટેન્ડર ભરત પટેલ અને પ્રમોદ પટેલ નામના વેપારીનું ખુલ્યુ હતું, રવિવારે ગંભીરા ભાઠાની તમાકુની હરાજીમાં જાહેર થયેલા ભાવ પરથી સ્થાનિક બજારનો ભાવ રૂા.૨૫૦૦ થી લઇ ૩૦૦૦ પ્રતિ મણ ઉપજે તેવો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે અને તેને લઇ ભાઠા સિવાયના ચરોતરના અન્ય ખેડૂતોમાં સારા ભાવની આશા જાગી છે. ગંભીરા ભાઠા મંડળીના પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે આ વખતે ગયા વર્ષની સરખામણીએ ઉત્પાદન પણ સારું છે તેમજ ગત વર્ષ કરતા પ્રતિ મણ ૧૧૦ રૂપિયા વધુ ભાવ ઉપજયા છે.દરવર્ષે પૂર પાણી ભાઠામાં ઘૂસી જતાં પાક ધોવાઇ જતાં ખેડૂતોને પુનઃતમાકુની રોપણી કરવી પડતાં ડબલ ખર્ચ થતો હતો અને ભાવ પણ માપસર મળતો હોય છે. જયારે આ વર્ષે તો પૂર આવ્યો જ ન હતો જયારે રોપણી કરવામાં આવી ત્યારબાદ આ વખતે કોઈ નુકશાન થયેલું નથી અને આ વખતે ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોના ચેહરા ચમકી ઉઠ્‌યા છે. છેલ્લા બે વર્ષથી સારા ભાવ મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *