Gujarat

આત્મા-ખેતીવાડીના અધિકારીઓ સાથે બેઠક યોજી, જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પરામર્શ કરાયો

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની વાડીએ આત્મા-ખેતીવાડીના અધિકારીઓ સાથે બેઠક યોજી,  પ્રાકૃતિક ખેતીની મુહિમને તેજીથી આગળ વધારવા માટે અધિકારી-કર્મચારીઓ સાથે પરામર્શ કર્યો હતો.

કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતીથી પ્રાપ્ત થયેલા હકારાત્મક પરિણામો જાણકારી મેળવી હતી. સાથે જ પ્રાકૃતિક ખેતીમાં અવરોધ રૂપ રહેલા પરિબળો વિશે પણ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા કરી હતી.

કલેક્ટરશ્રીએ છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરતા શ્રી હિતેશ દોમડીયા પાસેથી તેમના અનુભવો જાણ્યાં હતા. સાથે જ પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા-કાર્બન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ-પ્રક્રિયા, પિયત વગેરેની ઝીણવટભરી જાણકારી મેળવી હતી. ઉપરાંત ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે ઉપલબ્ધ બજાર વિશે પણ ચર્ચા કરી હતી.

કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ઢબે થતી ખેતીની જમીનમાં આચ્છાદાનથી તેમાં ભેજનું પ્રમાણ ઉપરાંત આ ભેજના કારણે ઉત્પન થતા ખેડૂત મિત્ર એવા બેક્ટેરિયા અને અળસિયાથી જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારો થાય છે, તેની પણ વિગતવાર જાણકારી મેળવી હતી

કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતીમાં અનિવાર્ય એવા ઘનામૃત-જીવામૃતના ઉત્પાદનમાં ગૌશાળા અને ખાનગી એકમોને જોડવા માટે પણ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ગાય નિભાવ ખર્ચ માટેની યોજનાનો ખેડૂતો-પશુપાલકો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે પણ સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં ૧૨,૦૦૦ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે.

આ બેઠકમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.જી. રાઠોડ, નાયબ ખેતિ નિયામક શ્રી એચ.એમ. ગધેસરીયા, નાયબ ખેતિ નિયામક શ્રી એસ.પી. ઉસદડીયા, જિલ્લા ખેતિવાડી અધિકારી શ્રી જે.પી. ગોંડલીયા સહિતના અધિકારીઓ અને આત્માના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

collector-sir-farm-mulakat-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *