એક રાજાના દરબારમાં એક અજાણ્યો માણસ નોકરી માંગવા માટે આવે છે તો રાજાએ તેનામાં શું વિશેષતા છે તે પુછે છે ત્યારે તે કહે છે કે હું માણસ હોય કે જાનવર માત્ર તેનો ચહેરો જોઇને તેના વિશેની તમામ વાતો કહી શકું છું.રાજા તેને પોતાના ખાસ ઘોડાના તબેલાનો ઇન્ચાર્જ બનાવી દે છે.
કેટલાક દિવસ બાદ રાજાએ પોતાના સૌથી મોંઘા અને મનપસંદ ઘોડા વિશે પુછે છે.તેના જવાબમાં તે કહે છે કે ઘોડો અસલ ઓલાદનો નથી.રાજાને નવાઇ લાગે છે એટલે તેમને જંગલમાંથી ઘોડો જેની પાસેથી ખરીદ્યો હતો તેને બોલાવામાં આવે છે.તેને જણાવ્યું કે ઘોડો તો અસલ ઓલાદનો જ છે પરંતુ તેના જન્મ પછી તરત જ તેની ર્માં મરી જતાં એક ગાયનું દૂધ પીવડાવીને તેનું પાલનપોષણ કરવામાં આવ્યું હતું.રાજા નોકરને બોલાવીને પુછે છે કે તમોને કેવી રીતે ખબર પડી કે ઘોડો અસલ ઓલાદનો નથી?
ત્યારે તેને કહ્યું કે આ ઘોડો જ્યારે ઘાસ ખાય છે ત્યારે ગાયોની જેમ માથું નીચું રાખીને ખાય છે જ્યારે અસલ ઓલાદનો ઘોડો હોય તો ઘાસ મોંઢામાં લઇ માથું ઉંચુ રાખીને ખાતો હોય છે.રાજા તેની હોંશિયારીથી ઘણા જ ખુશ થઇને તેના ઘેર અનાજ,ઘી,મુરઘીઓ અને ઇંડા ઇનામ તરીકે મોકલી આપે છે અને હવે પછી તેને રાણીના મહેલમાં રાણી વિશે તપાસ કરવા માટે નિમણુંક આપે છે.કેટલાક દિવસો પસાર થયા બાદ રાજા પોતાની રાણીના વિશે અભિપ્રાય પુછે છે ત્યારે તે કહે છે કે રાણીમાં વ્યવહાર તો રાણી જેવો છે પરંતુ જન્મથી તે રાજકુમારી નથી.
રાજાના તો પગ નીચેથી જમીન ખસી જાય છે.રાજા પોતાની સાસુને બોલાવે છે અને તમામ હકીકત કહે છે ત્યારે રાજાની સાસુ કહે છે કે તમારા પિતાજી અને મારા પતિ ખાસ મિત્રો હતા તેથી મારી દિકરીનો જન્મ થયો ત્યારે જ તમારા પિતાજીએ મારી દિકરીનો સબંધ તમારી સાથે નક્કી કરી દીધો હતો પરંતુ મારી દિકરીનું છ માસની ઉંમરમાં જ અવસાન થતાં રજવાડાના સબંધોને સાચવવા અમોએ અન્યની દિકરીને પોતાની દિકરી બનાવી લીધી હતી.
રાજા નોકરને પુછે છે કે તમોને કેવી રીતે ખબર પડી? ત્યારે નોકર કહે છે કે રાણી સાહિબાનો નોકરોની સાથેનો વ્યવહાર સારો નથી.એક ખાનદાન વ્યક્તિનો બીજાઓની સાથે વ્યવહાર સુમધુર અને મિઠાસથી ભરેલો હોય છે જે રાણીમાં દેખાતો નથી.રાજાએ ખુશ થઇને તેના ઘેર ફરીથી અનાજ,ઘી,મુરઘીઓ અને ઇંડા ઇનામ તરીકે મોકલી આપે છે અને તેને પોતાના રાજદરબારમાં નિયુક્ત કરે છે.
કેટલાક દિવસો પસાર થયા બાદ રાજા નોકરને બોલાવીને પોતાના વિશે પુછે છે ત્યારે નોકર કહે છે કે મારા જીવનની રક્ષાનું વચન આપો તો તમારા વિશે સાચી વાત કહું.રાજાએ વચન આપ્યું ત્યારે તે કહે છે કે આપ રાજાના દિકરા રાજકુમાર નથી અને તમારી રહેણી-કરણી પણ રાજા જેવી નથી.રાજાને ઘણો જ ગુસ્સો આવે છે પરંતુ નોકરને જાનની સલામતીનું વચન આપેલું તેથી તે સીધા પોતાની માતૃશ્રીના રાજમહેલમાં જાય છે અને પોતાના જન્મ વિશે પુછે છે ત્યારે રાજમાતા કહે છે કે આ વાત સાચી છે કે તમે એક ભરવાડના દિકરા છો.અમારે કોઇ સંતાન ન હતું એટલે એક ભરવાડ પાસેથી અમે તને દત્તક લીધો હતો.
રાજાએ નોકરને બોલાવ્યો અને પુછ્યું કે તને કેવી રીતે ખબર પડી? ત્યારે નોકર કહે છે કે રાજા જ્યારે કોઇની ઉપર પ્રસન્ન થાય છે ત્યારે હીરા-મોતી અને ઝવેરાતના રૂપમાં ઇનામ આપતા હોય છે પરંતુ આપ જ્યારે જ્યારે મારી ઉપર પ્રસન્ન થયા ત્યારે ત્યારે અનાજ,ઘી,મુરઘીઓ અને ઇંડા ઇનામ તરીકે મને આપ્યાં છે.આ તમારા વ્યવહારથી મને ખબર પડી ગઇ હતી કે તમે કોઇ રાજકુમાર નહી પરંતુ કોઇ ભરવાડના છોકરા છો.
કોઇપણ મનુષ્ય પાસે ગમે તેટલી ધન-સંપત્તિ,સુખ-સમૃદ્ધિ કે બાહુબળ હોય તે તમામ ફક્ત બાહ્ય દેખાવના છે.મનુષ્યની અસલ ઓળખાણ તેના વ્યવહાર ઉપરથી અને તેની નિયત ઉપરથી થતી હોય છે. માણસની હેસીયત બદલાઇ જાય છે પરંતુ તેના વિચાર બદલાતા નથી.માણસના વિચારો અને દાનત જ તેને સારો કે ખરાબ બનાવે છે.


