કરંજ : તા.૧૧ (વિજય પટેલ દ્વારા)
આર્થિક કારણોસર થતાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટી રહે અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ નેશનલ મીન્સ એન્ડ મેરીટ કમ સ્કોલરશીપ (NMMS) એકઝામ લેવામાં આવે છે. સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ એકઝામ લેવામાં આવતી હોય છે. એક્ઝામ પાસ થનાર વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર કરી વાર્ષિક રૂપિયા 12,000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.દિપકભાઇ દરજી તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તરફથી મળેલ માહિતી અનુસાર આવતીકાલે તા.12/2/2023 ને રવિવારનાં રોજ સુરત જિલ્લાનાં 9 તાલુકા અને સુરત સીટી મળી 42 સેન્ટરો પર કુલ 414 બ્લોકમાં નોંધાયેલ 12101 જેટલાં વિદ્યાર્થીઓની આ એકઝામ નિયત સમયપત્રક મુજબ લેવાશે.
