મકસુદ કારીગર,કઠલાલ
તા. 14મી એપ્રિલની સાંજે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા બોરસદ તાલુકાના પીપળી ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ ઉજવામાં આવી હતી. આશાદીપના નિયામક જ્હોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, સરપંચશ્રી, ડે. સરપંચશ્રી, અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામને આશાદીપ તરફથી બાબાસાહેબ દ્વારા લિખિત ‘ગુલામો અને અસ્પૃશ્યો, પુના કરાર, દલિતો સભાન થાઓ, ડૉ. આંબેડકર અને મુસ્લિમો’ જેવા પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી. સંસ્થાના નિયામક અને મદદનીશ નિયામક દ્વારા કરવામાં આવેલા પ્રાસંગિક પ્રવચનોમાં શિક્ષણના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સિમ્બોલ ઓફ નોલેજનું સંબોધન ધરાવનાર બંધારણના ઘડવૈયાની જન્મ જયંતિને દીપાવે તેવું સ્વાગત નૃત્ય નાની બાળાઓ દ્વારા રજૂ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં આશાદીપનો સ્ટાફ તથા સ્થાનિક આગેવાનો ખડેપગે રહ્યા હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અંધાડી, કોસમ અને જલાનગર ખાતે પણ મહામાનવની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી.


