વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના ઓરડાની ઘટ જોવા મળી,
સેવંત્રા ગામની શાળામાં નવા આેરડા ક્યારે બનશે ?
રાજકોટના ઉપલેટમાં આવેલા સેવંત્રા ગામમના બાળકો ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. જર્જરિત શાળાના ઓરડા તોડી પાડવામાં આવ્યા બાદ નવા ઓરડા બનાવવાની કામગીરી ક્યારે શરુ કરાશે તે અંગે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે. અધિકારીઓની આંખ ખ્યારે ઉઘડશે?
રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજૂબર બન્યા છે. શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા પછી લાંબા સમયથી નવા ઓરડા બન્યા નથી, જેના કારણણે બાળકોએ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. સ્કૂલમાં CCTV અને કમ્પ્યુટરની સુવિધા છે પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી.
સરકાર દ્વારા સેવંત્રા પ્રાથમિક શાળાને સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર સહિતના સાધનોથી સજ્જ કરવામાં આવી છે. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ આજે પણ વખણાઈ રહ્યું છે. જોકે, શાળામાં પાછલા ઘણા સમયથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના ઓરડાની વ્યવસ્થા નથી. જેના લીધે વિદ્યાર્થીઓને ના છૂટકે કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.
સેવંત્રા ગામના સરપંચ, પોલાભાઈ બારૈયા આ વિશે વાત કરતા જણાવે છે કે, શાળાના જે રૂમ જર્જરિત થઈ ગયા હતા તેને પાડી નાખવામાં આવ્યા છે, જ્યાર નવું કામ પ્રોસેસમાં છે. જો આપણને ઠંડી લાગે તો નાના બાળકોને કેટલી ઠંડી લાગતી હશે! હાલ વ્યવસ્થા ના હોવાથી અમારે બાળકોને બહાર બેસાડવા પડે છે તે અમારી મજબૂરી છે.
ગ્રામજન પૂનાભાઈ બારૈયા આ વિશે વાત કરતા જણાવે છે કે, આટલી કડકડતી ઠંડીમાં પણ બાળકોએ ખુલ્લામાં ભણવા માટે બેસવું પડે છે. મારા પૌત્રો પણ આ જ શાળામાં ભણે છે અને તેઓ મને કહેતા હોય છે કે દાદા આટલી કડકડતી ઠંડીમાં અમારે કઈ રીતે ભણવા માટે જવું? ઠંડીના કારણે બાળકોને તકલીફ પડે છે. આવી સ્થિતિમાં ગ્રામજનો એવી આશા રાખીને બેઠા છે કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ જરુરી નિર્ણય લેવામાં આવવો જોઈએ
સેવંત્રા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં 189 વિદ્યાર્થીઓ સવાર અને બપોરની પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શાળાના જૂના ઓરડાઓ જર્જરિત થતા ગ્રામજનોની માંગને લઈને નવા ઓરડાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જૂના ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ નવા ઓરડાઓના બાંધકામ અંગેની કામગીરી આજ દિવસ સુધી હાથ ધરવામાં આવી નથી. જેના લીધે ભણવા આવતા વિદ્યાર્થીઓએ ના છૂટકે ટાઢ-તડકામાં ખુલ્લામાં બેસવું પડે છે
ઉપલેટા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ લાખાભાઈ ડાંગર જણાવે છે કે, 9 મહિના અગાઉ નવા રૂમ બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી ઓરડાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. મંજૂરી મળી ગઈ હોવા છતાં બાંધકામ કેમ શરુ કરવામાં આવ્યું નથી અને આના માટે કયા અધિકારી જવાબદાર છે તે અંગે પગલા ભરાવવા જોઈએ. મારું બાળક પણ કહે છે કે આટલી ઠંડી હોવા છતાં અમારે મધ્યાહન ભોજનના શેડમાં કે ખુલ્લામાં બેસવું પડે છે. તાત્કાલિક નાં ધોરણે શાળાનું કામ નહિ કરવામાં આવેતો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે
ઓરડા તોડ્યા પછી ખુલ્લામાં બેસીને બાળકો ભણવા માટે મજબૂતર છે. તેમને મેદાનમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. આમ છતાં તંત્રની આંખો ઉઘડી રહી નથી. પોતાના બાળકોને ભણવા મોકલતા વાલીઓને પણ આ વાતની હવે ચિંતા થઈ રહી છે કે તેમના બાળકોને ક્યાં સુધી આ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડશે.
બીજી તરફ આ સમગ્ર સેવંત્રા પ્રાથમિક શાળાના સમચાર મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા સુધી વાત પહોંચતા ધારાસભ્યએ તત્કાલીન નાં ધોરણે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી હતી જેથી સેવંત્રા પ્રાથમિક શાળાની મુલાકાતે તાલુકા કેળવણી નિરીક્ષક દોડી આવ્યા હતા અને રિપોર્ટ કરી ઉપલી કક્ષાએ મોકલવામાં આવ્યો છે પરતું આ રિપોર્ટ અને તમાંમ સરકારી પ્રક્રિયાની કેટલી વાર લાગશે તે હવે જોવાનું રહ્યું તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા
ફોટો રીપોર્ટર હરેશ ભાલીયા


