રોટરી ક્લબ અને રોટરેકટ કલબ ઓફ સુરત ઇસ્ટનાં સંયુક્ત ઉપક્રમે પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાનાં શુભ હેતુસર વરાછા, સુરત ખાતે CYCLOFUN-23 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ સહર્ષ ભાગ લીધો હતો. કૂવામાં હોય તો હવાડામાં આવે એ હકીકતને યથાર્થ ઠેરવતાં ભાંડુત ગામની સ્નેહા પટેલ આ સાયકલોફનમાં ભાગ લઈ 10 કિમી સાયકલિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પર્યાવરણ જાગૃતિની સંદેશાવાહક બની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કુમારી સ્નેહા ઓલપાડ તાલુકાનું ગૌરવ એવાં કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેશ પટેલની દીકરી છે. જે હાલ ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે. તેણે વેકેશનનો સદુપયોગ કરી તેનાં સાયકલવીર પિતા સાથે સાયકલિંગની પ્રેક્ટિસ કરી પ્રથમવારમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે જે ગૌરવની બાબત છે.
આ પ્રસંગે કુમારી સ્નેહાએ જણાવ્યું હતું કે પિતાનાં અનુભવ અને તેમણે મેળવેલ સિધ્ધિઓથી પ્રેરણા લઈ મેં જોયેલા સપના સાકાર કરવા માટે આજની ઇવેન્ટ મારા શ્રીગણેશ છે. આજની સિધ્ધિ મારા માટે અવિસ્મરણીય બની રહેશે.


