પર્વતા રોહણ, રુટ ફાઇન્ડિંગ, રેસ્ક્યુ વર્ક, નાઈટ ટ્રેકિંગ, સ્ટાર ગેઝીંગની તાલીમ લેતા શિબિરાર્થીઓ
યુવાનોમાં સાહસિકતા અને રાષ્ટ્ર ભાવનાના ગુણો ખીલે તેમજ તેમના શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસાર્થે ઓસમ ડુંગર ખાતે ”ઈકો એડવેન્ચર કેમ્પ”નું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કરવામાં આવ્યું છે. ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના યજમાન પદે આયોજિત આ કેમ્પમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૬૦ યુવકો તેમજ ૬૦ યુવતીઓ જોડાયા છે.
ઇકો એડવેંચર કેમ્પમાં વિદ્યાર્થીઓને પર્વતારોહણ, ઇમર્જન્સી લેન્ડિંગ, લેડરિંગ, રુટ ફાઇન્ડિંગ, રેસ્ક્યુ વર્ક, નાઈટ ટ્રેકિંગ, સ્ટાર ગેઝીંગ સહિતના કાર્યક્રમોની વાસ્તવિક જાણકારી તેમજ વન્ય જીવો અને વનસ્પતિની માહિતી આપવામાં આવી રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિદ્યાર્થીઓમાં શિસ્ત, અનુશાસન અને રાષ્ટ્રભાવનાના ગુણો ખીલે તે પ્રકારે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પમાં ડો.મીનાક્ષીબેન પટેલ દ્વારા છાત્રોને કેમ્પનું મહત્વ સમજાવી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. યુવકોની બે દિવસીય બેચની પુર્ણાહુતિ બાદ કેમ્પમાં સફળ રીતે ભાગ લેનાર છાત્રોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આવતી કાલ તા. ૨૩ થી ૨૫ ફેબ્રુઆરી દરમ્યાન યુવતીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં રમતગમત, એન.સી.સી., એસ.એસ.એસ. જેવી પ્રવૃતિઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને અગ્રતાક્રમે જોડવામાં આવતા હોવાનું કેમ્પ કેમ્પ કોઓર્ડીનેટર ડો. શૈલેષ બુટાણીએ તેમજ ડો. આર. જી.સરવૈયાએ જણાવ્યું છે.